Gandhinagar News: ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને દારુની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એસઓજી ગ્રુપે ડ્રગ્સની હેરાફેરી કરતી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એસ.ટી ડેપોના પાર્કિંગમાં એક મહિલા પાસે ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી. જેને આધારે એસઓજી ગ્રુપે મહિલાને ડ્રગ્સના જથ્થા સાથે પકડી લીધી હતી.
મહિલા માદક પદાર્થ સાથે ઝડપાઈ
મળતી માહિતી મુજબ, ગાંધીનગર બસ સ્ટેન્ડ પાસે લીલા કલરની સાડી પહેરેલી એક મહિલા માદક પદાર્થ સાથે ઉભી છે, તેની બાતમી ગાંધીનગર એસઓજીને મળી હતી. જેને આધારે પોલીસ ગાંધીનગર એસ.ટી ડેપો પર પહોંચી હતી. પોલીસે મહિલાને કોર્ડન કરીને તેની તપાસ હાથ ધરી હતી. જેમાં તેની પાસેથી એક થેલો મળી આવ્યો હતો. જેમાંથી મહિલા પોલીસ કર્મીઓને વેફરના પડીકા મળ્યા હતા.
પોલીસે તપાસ કરતાં ડ્રગ્સ હોવાનું ખુલ્યું
તપાસ કરતાં મહિલા પાસેથી ડ્રગ્સનું પેકેટ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પદાર્થની તપાસ કરતાં રુ. 62.400 કિમતનો 20.08 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો હોવાનું પુરવાર થયું હતું.. પોલીસે મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, મહિલાનું નામ પરેશાબેન વિષ્ણુભાઈ ઠાકોર છે.
આરોપી મહિલાના પતિને વોન્ટેડ જાહેર કર્યો
મહિલાએ કબૂલ્યું કે, તેનો પતિ વિષ્ણુભાઈ ઠાકોર વિસત ચોકડીથી મીઠાઈનું પેકેટ્સ લઈને આવ્યો હતો. તેમજ તે મહિલાને ડેપોએ ઉતારીને બાઈક લઈ આવવાનું કહ્યું હતું. હાલ એસઓજી પોલીસે મહિલાની ધરપકડ કરીને કુલ 67 હજારથી વધુની મત્તા કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેના પતિને વોન્ટેડ જાહેર કરીને તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
