Gujarat BJP News: ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને જવાબદાર સોંપવામાં આવ્યા બાદ પ્રદેશકક્ષાએ ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા ભાજપના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આગામી સ્થાનિક સ્વારજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશ્વકર્માની નવી ટીમની રચના કરવામાં આવી છે. નવી નિમણૂક મામેલા હોદ્દેદારો આજે શપથ ગ્રહણ કરવા માટે કમલમ પહોંચ્યા છે. શપથ ગ્રહણ કર્યા બાદ હોદ્દેદારોની એક મહત્વી બેઠક મળશે.
હોદ્દેદારોનો પરિચય કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોનો પરિચય કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી આવેલા હોદ્દેદારોનો એકબીજા સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો, તેમજ તેમની પાસેથી પરિચય પત્રકો પણ ભરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ નવા હોદ્દેદારોને પેંડા ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠનની જાહેરાત બાદ આજે, 29 ડિસેમ્બર સોમવારના રોજ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પોતાનો પદભાર સંભાળશે. ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપ ઉપપ્રમુખ રમેશ ધડુક, તેમજ નટુજી સહિતના નવનિયુક્ત હોદ્દેદારો કમલમ પહોંચ્યા છે, જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સંગઠનના તમામ હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાનારી છે, જેમાં આગામી કાર્યયોજના અને સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવશે.
બપોરે મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક મળશે
આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં તમામ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બપોરના સમયે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગુજરાત ભાજપના જૂના અને નવા હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક સંગઠનાત્મક સંકલન અને આગામી રાજકીય પડકારોનો સામનો કરવા માટેની રણનીતિ ઘડવામાં આવશે.

