GUJCET-2026: વિદ્યાર્થીઓને મોટી રાહત, હવે 6 જાન્યુઆરી સુધી ગુજકેટ-2026ના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

પરીક્ષા સંબંધિત વિસ્તૃત માહિતી પુસ્તિકા તથા ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ gujcet.gseb.org પર ઉપલબ્ધ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 30 Dec 2025 06:40 PM (IST)Updated: Tue 30 Dec 2025 06:40 PM (IST)
gandhinagar-news-gujcet-2026-online-application-deadline-extended-to-january-6-664887

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી ગુજકેટ-2026 (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર, 2025 નક્કી કરાયેલી અરજીની છેલ્લી તારીખ હવે 6 જાન્યુઆરી, 2026 સુધી વધારવામાં આવી છે. બોર્ડના આ નિર્ણયથી ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક હજારો વિદ્યાર્થીઓને અરજી પૂર્ણ કરવા માટે વધુ સમય મળશે.

બોર્ડ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.19/11/2016 ના ઠરાવ મુજબ, ગુજકેટ-2026 પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના A, B અને AB ગ્રુપના ઉમેદવારો માટે ફરજિયાત પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા ડીગ્રી એન્જિનિયરિંગ તેમજ ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે અનિવાર્ય છે.

પરીક્ષા સંબંધિત વિસ્તૃત માહિતી પુસ્તિકા તથા ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ gujcet.gseb.org પર ઉપલબ્ધ છે. ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org તેમજ gujcet.gseb.org પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ગુજકેટની પરીક્ષા ફી 350/- રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ ફી SBI Epay System મારફતે ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા અથવા SBI Epay ના "SBI Branch Payment" વિકલ્પ દ્વારા દેશની કોઈપણ SBI બેંક શાખામાં ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 30 ડિસેમ્બર, 2025 ના રોજ જારી કરાયેલી આ યાદીમાં તમામ શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામ પક્ષકારોને આ વિગતોની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ પાત્ર વિદ્યાર્થી અરજી કરવાની તક ગુમાવે નહીં. વિદ્યાર્થીઓને આ વધારાના સમયગાળાનો લાભ લઈને નિયત સમયમર્યાદામાં પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.