સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! હવે મિલકતોની ચકાસણી માટે ગુજરાતમાં નવી સિસ્ટમ

ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના કાર્યકાળ દરમિયાન જમા કરતા અપ્રમાણસર મિલકતો અને સંપતિઓ પર ચાંપતી નજર રાખવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 09:28 AM (IST)Updated: Tue, 03 Nov 2026 09:28 AM (IST)
gandhinagar-news-gujarat-introduces-new-system-to-monitor-government-employees-assets

Gandhinagar News: ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના કાર્યકાળ દરમિયાન જમા કરતા અપ્રમાણસર મિલકતો અને સંપતિઓ પર ચાંપતી નજર રાખવા માટે ગુજરાત તકેદારી આયોગ દ્વારા એક અતિ મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના દરેક વિભાગમાં કર્મચારીઓ સ્થાવર અને જંગમ મિલકતોની સુવ્યવસ્થિત ચકાસણી થાય અને અપ્રમાણસર મિલકત સંબંધિત ફરિયાદો વખતે તમામ મિલકતો તુરંત ઉપલબ્ધ રહે તે માટે નવી ચકાસણી સિસ્ટમ ગોઠવવાની તાકીદ કરાઈ છે. તકેદારી આયોગની સમીક્ષા બેઠકના આધારે મહિલા અને બાળ વિકાસ વિભાગે પરિપત્ર બહાર પાડી તમામ શાખાઓ અને કચેરીઓને આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા નિર્દેશ આપ્યા છે.

કર્મચારીઓ માટે વાર્ષિક મિલકત પત્રક ફરજિયાત

અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સેવા નિયમો, 1971ના નિયમ-19 હેઠળ માત્ર ક્લાસ 1-2 ના રાજ્યપત્રિત અધિકારીઓ જ પોતાની મિલકતોનું વાર્ષિક પત્રક ઓનલાઈન સોફટવેરમાં અપડેટ કરતા હતા. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના નવા સુધારા અનુસાર, હવે વર્ગ 3ના કર્મચારીઓ માટે પણ દર વર્ષે પોતાની સ્થાવર અને જંગમ મિલકતોનું વાર્ષિક પત્રક ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

બાંધકામ પ્રોજેક્ટ્સ પર ટેકનિકલ નિરીક્ષણ

સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે રાજ્યમાં ચાલી રહેલા રુ. 1 કરોડથી વધુની રકમના બાંધકામ પ્રોજેક્ટ્સના ત્રિ-માસિક પત્રકો તકેદારી આયોગના ટેકનિકલ એકમને મોકલવામાં આવશે. આ વિગતોના આધારે નિવારત્મક તકેદારી નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, સરકારી યોજનાઓમાં નાણાકીય નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓ સામે 'ધી ગુજરાત પબ્લિક વર્ક્સ કોન્ટ્રાક્ટ ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ એક્ટ-1992' હેઠળ કાનૂની કાર્યવાહી કરીને રિકવરી કરવામાં આવશે.

નિવૃત્તિ કે રાજીનામા પછી કાર્યવાહી રદ નહીં

નવા નિયમો મુજબ, જો કોઈ કર્મચારી કે અધિકારી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળશે, તો નોકરીમાંથી રાજીનામું આપવાથી, બરતરફ થવાથી કે નિવૃત્ત (Retired) થવાથી તેમની સામેની કાનૂની અને પોલીસ કાર્યવાહી રદ થશે નહીં. દોષિત કર્મચારીઓ અને સરકારને નુકસાન પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાકીય રીકવરી કરવા માટે ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ કડક પગલાં લેવામાં આવશે.