Anganwadi Protest: હવે આંગણવાડી બહેનોનો સરકાર સામે આરપારનો જંગ, 9 ઓગસ્ટથી જલદ આંદોલનનું એલાન; જેલભરોની પણ તૈયારી

ગુજરાતની આંગણવાડી અને આશા વર્કર બહેનો પગાર વધારા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે 9 ઓગસ્ટથી ઉગ્ર આંદોલન શરૂ કરશે. માંગણીઓ ન સંતોષાતા 6 ઓક્ટોબરે દેશભરમાંથી દિલ્હી કૂચ અને જેલ ભરો આંદોલનની પણ તૈયારી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Jul 2026 05:13 PM (IST)Updated: Wed, 29 Jul 2026 05:13 PM (IST)
gandhinagar-news-gujarat-anganwadi-and-asha-workers-announce-nationwide-protest

Anganwadi Protest: નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધુ છે. શિક્ષણ મંત્રીના રાજીનામાને CJP પોતાની સફળતા તરીકે જુએ છે, ત્યારે હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અલગ-અલગ સંગઠનના લોકો પોતાની માંગણીને લઈને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાં વીજ પોલ ઉભા કરવા મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ અનામત હટાવવાના સોશિયલ મીડિયા અભિયાનને પાટીદાર સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કરતાં ગુજરાતમાં સળવળાટ જોવા મી રહ્યો છે. એવામાં હવે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.

કામનું ભારણ વધાર્યું, પરંતુ વેતનમાં કોઈ વધારો નહીં

આ અંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે 2018 અને ગુજરાત સરકારે 2022થી બહેનોના પગારમાં સહેજ પણ વધારો નથી કર્યો. બીજી તરફ બહેનોને કામનું ભારણ વધારી દીધુ છે. વસ્તી ગણતરી હોય કે કૂતરાની ગણતરી કરવાની હોય, ત્યારે જ સરકારને ગરીબ બહેનો જ દેખાય છે. કામના ભારણ અને માનસિક તણાવના પગલે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની આંગણવાડી કાર્યકર બહેનનું ચાલું ફરજે મોત નીપજ્યું હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા તેમના પરિવારને વળતર નથી ચૂકવવામાં આવ્યું.

માત્ર ઠાલા વચનો આપતી સરકારને 9 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ

ગત 23 માર્ચે પણ પગાર વધારો, નિવૃતિ વય મર્યાદા, મજૂરી પદ્ધતિ, પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન યોજના લાગુ કરવા જેવી વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનોએ આંદોલનનનું શસ્ત્ર ઉગામ્યું હતુ. જેના પગલે કેબિનેટ મંત્રીઓ સચિવો વાટાઘાટો કરવા આગળ આવ્યા હતા અને પશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જો કે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી.

આ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આંગણવાડી અને આશા વર્કર સંગઠને સરકાર સામે લડતનું મન મનાવી લીધુ છે. જે અંતર્ગત આગામી 9 ઓગસ્ટે અમદાવાદમાં આશા વર્કર્સ બહેનોની વિશાળ રેલી યોજીને આંદોલન શરૂ કરવામાં આવશે. જેના બીજા દિવસે 10 ઓગસ્ટે સમગ્ર દેશભરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો રસ્તા પર ઉતરી વિરોધ વિરોધ પ્રદર્શન કરશે.

આમ છતાં જો સરકારના પેટનું પાણી નહીં હલે, તો 6 ઓક્ટોબરે સમગ્ર દેશભરમાંથી 5 લાખ જેટલી આંગણવાડી અને મધ્યાહન ભોજન વર્કર બહેનો દિલ્હી કૂચ કરીને સંસદનો ઘેરાવ કરશે. આ સાથે જ જેલ ભરો આંદોલનની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.