Gandhinagar News: આધુનિક યુગમાં સાયબર ગુનાખોરી એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ, સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા દુબઈથી સંચાલિત એક મોટા આંતરરાજ્ય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ નેટવર્કના વધુ 6 આરોપીઓને સુરતથી ઝડપી પાડવામાં આવ્યા છે, જેમણે ભારતના વિવિધ રાજ્યોના નાગરિકોને છેતરીને અંદાજે રૂ. 804 કરોડના 1549 સાયબર ક્રાઈમના ગુના આચર્યા હતા. આરોપીઓ લોકો પાસેથી બેંક ખાતાઓ અને સિમકાર્ડ મેળવી દુબઈ મોકલતા અને ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરતા હતા.
વિવિધ બેંકોમાં મોટી સંખ્યામાં નવા બેંક ખાતાઓ ખોલાવતા હતા
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ છેલ્લા એક વર્ષથી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને પોતાની ઓળખ છુપાવી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લોભ-લાલચ આપીને વિવિધ બેંકોમાં મોટી સંખ્યામાં નવા બેંક ખાતાઓ ખોલાવતા હતા.
આ ખાતાઓની કીટ અને તેમાં રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબરના સિમકાર્ડ મેળવીને દુબઈ મોકલી દેતા હતા. દુબઈથી તેમના સાગરીતો ઇન્ટરનેટના માધ્યમથી ભારતમાં લોકોને છેતરતા અને સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. ત્યારબાદ, આ નાણાં વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને અથવા રોકડમાં ઉપાડીને 'ભંગારના ધંધા'ની આડમાં સગેવગે કરવામાં આવતા હતા.
આ પણ વાંચો
સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવામાં આ 3 આરોપીની ભૂમિકા
ઝડપાયેલા આરોપી સાઝેબ ફીરોજભાઇ ખેરાણી, સોહિલ સદરૂદીન વઢવાણીયા અને આમીનભાઇ અકબરભાઇ ભાયાણી સાથે મળીને ભંગારના ધંધાની આડમાં આશરે 200 થી વધુ ટ્રક ભંગારનો માલ (આશરે રૂ. 20 કરોડથી વધુની રકમનો) મુખ્ય સૂત્રધાર આરોપી આમીર અલ્તાફ હાલાણીના કહેવા પ્રમાણે મોકલી આપ્યો હતો. તેમણે આમીરના માણસ પાસેથી રોકડમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી, તે નાણાં સગેવગે કરવામાં ભૂમિકા ભજવી હતી. પુરાવાનો નાશ કરવા માટે આરોપી સાઝેબે પોતાનો મોબાઈલ ફોન પણ ફેંકી દીધો હતો.

270 જેટલા બેંક ખાતાઓ મુખ્ય સૂત્રધારને પહોંચાડ્યા
અન્ય ઝડપાયેલા બે આરોપીઓ કમલેશ અશોક સેન અને સાગર અશોક સેને 270 જેટલા બેંક ખાતાઓ તેમજ 300 જેટલા સીમ કાર્ડ્સ મુખ્ય સૂત્રધાર આરોપી આમીર હાલાણીને પહોંચાડ્યા હતા. જેના બદલામાં તેમને સીમ કાર્ડ દીઠ રૂ. 1,000 અને બેંક કીટ દીઠ રૂ. 50,000 જેટલું મોટું કમિશન મેળવ્યું હતું.
રાહુલકુમાર રાજેશકુમાર અગ્રવાલ નામના આરોપીએ એકાઉન્ટનો એક્સેસ મેળવી, તેમાં જમા થયેલા સાયબર ફ્રોડના રુપિયા વિડ્રો કરી/કરાવી મુખ્ય સૂત્રધાર આરોપી આમીરના કહેવાથી સહ-આરોપીઓને આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા. જેના બદલામાં તેણે 1% કમિશન મેળવી પેમેન્ટ પ્રોસેસર તરીકે ભૂમિકા ભજવી હતી.
ઝડપાયેલા આ આરોપીઓમાં સાઝેબ ફીરોજભાઇ ખેરાણી, સોહિલ સદરૂદીન વઢવાણીયા, આમીનભાઇ અકબરભાઇ ભાયાણી, કમલેશ અશોક સેન અને સાગર અશોક સેન સુરતના છે જ્યારે રાહુલકુમાર રાજેશકુમાર અગ્રવાલ દેવગઢ બારિયાનો હોવાનું સામે આવ્યું છે.
સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી
સાયબર ગુનેગારો ઇન્ટરનેટના માધ્યમથી, ખાસ કરીને SMS, WhatsApp અને Telegram દ્વારા ખોટી ઓળખ ઊભી કરીને લોકોને છેતરે છે. તેઓ વધુ પૈસા કમાવવાની લાલચ આપીને વિવિધ પ્રકારના બહાના હેઠળ ઠગાઈ આચરે છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી તેઓ કમિશન પર બેંક ખાતાઓ મેળવીને તેમાં છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરાવે છે.
આ પ્રકારના ફ્રોડમાં સામાન્ય રીતે તેઓ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ (Digital Arrest Fraud), ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ (Investment Fraud), યુપીઆઈ સંબંધિત ફ્રોડ (UPI-related Fraud), ડિપોઝિટ ફ્રોડ (Deposit Fraud), લોન ફ્રોડ (Loan Fraud), પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ (Part-time Job Fraud) મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
નાગરિકો માટે સાવચેતી અને સલાહ
નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
- કોઈપણ વ્યક્તિએ લોભ-લાલચ કે વિશ્વાસમાં આવીને પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોઈને આપવી નહીં.
- બેંક એકાઉન્ટમાં આવતા નાણાં માટે બેંક એકાઉન્ટ ધારક પોતે જવાબદાર હોય છે, જેથી કમિશનની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને આપવું નહીં.
- જો તમારી સાથે સેક્ટોર્શન, મોર્ફ ફોટો, ન્યૂડ વીડિયો કોલ કે અન્ય કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થયો હોય, જેમાં તમારી ભૂલ હોય કે ન હોય, તો કોઈપણ પ્રકારનો ડર કે સંકોચ રાખ્યા વિના સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા તમારા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. સંવેદનશીલ કિસ્સાઓમાં તમારું નામ ગુપ્ત રાખીને મદદ કરવામાં આવશે.
