Gandhinagar News: ગુજરાત અને અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે.
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોશિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. તેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટે પ્રશંસા કરી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધા અપાશે
ડોનાલ્ડ રુકરે ઉલ્લેખ કર્યો કે, કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે, ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલું તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે. તેમજ ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે, એવો વિશ્વાસ આપ્યો હતો.
ગ્લાસગો કોમનવેલ્થનું મુખ્યમંત્રીને આમંત્રણ
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે, તેવી ખાતરી આપી હતી.
કોમનવેલ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટીમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.
મુલાકત બેઠકમાં મોટા અધિકારીઓ જોડાયા
ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલિગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
