Gandhinagar: માવઠાના મારને પગલે સરકાર એલર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં દોડાવ્યા

કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, નરેશભાઈ પટેલ તાપી, અર્જુન મોઢવાડીયા અને ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ-ગીર સોમનાથ અને કૌશિક વેકરિયા અમરેલી તાત્કાલિક અમરેલી પહોંચશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 27 Oct 2025 08:53 PM (IST)Updated: Mon 27 Oct 2025 08:53 PM (IST)
gandhinagar-news-chief-minister-of-gujarat-emergency-meeting-with-ministers-for-unseasonal-rain-627712
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી
  • મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે

Gandhinagar: ગુજરાતમાંથી વિદાય લઈ ચૂકેલા મેઘરાજાએ ફરીથી એન્ટ્રી મારી હોય, તેમ છેલ્લા ત્રણેક દિવસથી કારતકમાં અષાઢી માહોલ છવાયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે પાક નુકસાનની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પેઠી છે, ત્યારે સરકાર પણ હરકતમાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યાં છે.

મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને તાત્કાલિક અમરેલી પહોંચવા જણાવ્યું છે.

એટલુ જ નહિં, આ મંત્રીઓ પોતાના જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિવસ દરમિયાન રાજ્યના બધા જિલ્લા કલેક્ટરો સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી.