ગાંધીનગરમાં બ્રિક્સ યુથ સમિટ 2026 શરૂ, ચરખાથી સ્પેસ ટેક્નોલોજી સુધી ગુજરાતની સફરનો હર્ષ સંઘવીએ કરાવ્યો પરિચય

ગુજરાત STI પોલિસી 2026-31 અંગે માહિતી આપતા હર્ષ સંઘવીએ યુવાનોને ખાસ સંદેશ આપ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 19 Aug 2026 04:00 PM (IST)Updated: Wed, 19 Aug 2026 04:00 PM (IST)
gandhinagar-brics-youth-summit-2026-harsh-sanghavi-innovation-fund
BRICS Youth Summit 2026

Gandhinagar BRICS Youth Summit 2026: પાટનગર ગાંધીનગર ખાતે 11 દેશના યુવા પ્રતિનિધિઓની હાજરીમાં બ્રિક્સ યુથ સમિટ 2026 નો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રા અને યુવા શક્તિની ક્ષમતા પર વિશેષ ભાર મૂક્યો હતો.

ચરખાથી સેમિકન્ડક્ટર સુધીની સફર 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ચરખાથી લઈને ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટરથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધીની અભૂતપૂર્વ સફર ખેડી છે. તેમણે ઉમેર્યું કે, ટેક્નોલોજી આધારિત વિકાસ વચ્ચે પણ ગુજરાત પોતાની વિરાસતને ભૂલ્યા વગર આકાશ આંબી રહ્યું છે.

યુવા સાહસિકો માટે 1,000 કરોડનું ફંડ 

ગુજરાત સરકારના મક્કમ નિર્ધારની વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવા સાહસિકો માટે ગુજરાત STI પોલિસી 2026-31 લોન્ચ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત 1000 કરોડ રૂપિયાનું ઈનોવેશન ફંડ ફાળવ્યું છે, જે દેશ અને વિદેશના યુવા ઉદ્યોગ સાહસિકો માટે ઉપલબ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન ‘ફ્રેન્ડ્સ ઓફ માય ભારત’ પોર્ટલ અને ડિજિટલ કોમ્પેન્ડિયમ ઓફ વોલન્ટિયરિંગ પ્રેક્ટિસીસનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

 

હર્ષ સંઘવીએ ગુજરાતના યુવા સ્વિમર આરુષ વણઝારાની સંઘર્ષગાથાનું ઉદાહરણ આપતા કહ્યું કે, સાંભળી ન શકતા હોવા છતાં બઝરનો અવાજ સાંભળ્યા વિના જ આરુષે નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. હર્ષ સંઘવીએ યુવાનોને શીખ આપી કે મુશ્કેલીઓ તમારી ઓળખ ન બનવી જોઈએ, પરંતુ તેને અવગણીને આગળ વધવું એ જ સાચી સફળતા છે.

પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સુરક્ષા

આજે ‘વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે’ અને આવતીકાલે અક્ષય ઊર્જા દિવસના સંયોગને ટાંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજનો વિકાસ આગામી પેઢીના પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ. હાલમાં ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 33.39 ગીગાવાટને પાર કરી ગઈ છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા શક્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ મુલાકાત લેશે

આ સમિટના ભાગરૂપે 11 દેશોના યુવા પ્રતિનિધિઓ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર 18 મહિનામાં 562 રજવાડાઓને એક કરીને કરેલા અખંડ ભારતના નિર્માણની ગાથા જાણશે. હર્ષ સંઘવીએ યુવાનોને સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ માણવા અને ભારતની વિવિધતાનો અનુભવ કરવા પણ અનુરોધ કર્યો હતો.