Digital Arrest Scam: ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને અંકુશમાં લેવા માટે રાજ્ય પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. TRAI કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓની ખોટી ઓળખ આપીને નિર્દોષ નાગરિકોને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે છેતરતા અને કરોડો રૂપિયા પડાવતી એક આંતરરાજ્ય ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ વોટસએપ વીડિયો કોલ દ્વારા ભોગ બનનારને ધમકાવીને નાણાં પડાવતી હતી.
TRAI અને પોલીસ અધિકારી બની ભોગ બનનારને ફસાવ્યા
આ ગેંગ દ્વારા ભોગ બનનારને વોટ્સએપ વીડિયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો. ઠગબાજો પોતાની ઓળખ TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દિલ્હીના કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરીકે આપતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને કહેતા કે તેમનો મોબાઈલ નંબર બે કલાકમાં બંધ થઈ જશે, કારણ કે તેમના આધારકાર્ડથી સક્રિય કરાયેલા નંબરનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થયો છે.
આ ઉપરાંત, તેઓ દાવો કરતા કે ભોગ બનનાર વિરુદ્ધ FIR નોંધાઈ છે અને CBI, FEMA, RBI, SEBI, RAW જેવી એજન્સીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસ ચાલી રહી છે. આ બાબત કોઈને ન કહેવા, ઘરની બહાર ન નીકળવા અને જીવનું જોખમ હોવાનું જણાવી, આજીવન કેદના ખોટા ગુનામાં ફસાવી દેવાના ભય હેઠળ વીડિયો કોલ દ્વારા ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવતા હતા. આ પ્રકારે ભોગ બનનાર પાસેથી જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ રૂ. 11,42,75,000/- ની માતબર રકમ પડાવી લેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ
- પાર્થ કનુભાઈ પટેલ
- મેહુલસિંહ પ્રવિણસિંહ ચાવડા
- રોનીલ ઉર્ફે વેકર ઉર્ફે ડેન રાજેશભાઈ વેકરીયા
આ ગુનાના સંદર્ભમાં પોલીસે મહત્ત્વનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 1,31,000/- રોકડ રકમનો સમાવેશ થાય છે, જે આ છેતરપિંડીની કડીઓ જોડવામાં મદદરૂપ થશે.
કરોડોનો ફ્રોડ અને આંતરરાજ્ય કનેક્શન
તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા કેરળ રાજ્યમાં 'EURO FRESH GENERAL TRADING' નામની પેઢીના નામે ખોલાવેલા બેંક ખાતાની વિગતો મેળવી હતી. ખાતાધારકને ગુજરાત બોલાવી, આ ખાતાની વિગતો ટેલિગ્રામ ગ્રુપ મારફતે દુબઈમાં બેઠેલા સાયબર સિન્ડિકેટના સભ્યોને પૂરી પાડવામાં આવી હતી, જેથી 'ડિજિટલ અરેસ્ટ' દ્વારા મેળવેલા નાણાં સગેવગે કરી શકાય. ફરિયાદી સાથે થયેલી છેતરપિંડીના કુલ રૂ. 11,42,75,000/- માંથી રૂ. 48,00,000/- આ ખાતામાં જમા થયા હતા.
'1930' અને 'સમન્વય' પોર્ટલ પર EURO FRESH GENERAL TRADING ના ખાતાની તપાસ કરતા જણાયું કે દેશભરમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત કુલ પાંચ રાજ્યોમાં 'ડિજિટલ અરેસ્ટ'ના ગુના આચરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય નાગરિકો પાસેથી અંદાજે રૂ. 20,74,01,000/- નો સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો.
આમાંથી રૂ. 4 કરોડથી વધુની રકમ હાલના પકડાયેલા આરોપીઓએ વિદેશમાં બેઠેલા સાયબર સિન્ડિકેટના સભ્યો સાથે મળી EURO FRESH GENERAL TRADING ના બેંક ખાતામાં જમા કરાવી હતી, જેમાંથી રૂ. 2 કરોડ 90 લાખના સોનાના બિસ્કિટ ખરીદવામાં આવ્યા હતા અને બાકીની રકમ RTGS દ્વારા આગળ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ડિજિટલ અરેસ્ટ'ની મોડસ ઓપરેન્ડી
આ ગુનામાં પકડાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ માટે બેંક ખાતાઓ મેળવીને તેનો ઉપયોગ કરતા હતા. તેઓ ટેલિગ્રામના વિવિધ ગ્રુપોમાં આ ખાતાઓની વિગતો અન્ય સાયબર સિન્ડિકેટના સભ્યોને મોકલી આપતા હતા. આ ખાતાઓનો મુખ્ય હેતુ 'ડિજિટલ અરેસ્ટ' દ્વારા છેતરાયેલા ભોગ બનનારાઓ પાસેથી પડાવેલા રૂપિયાને સગેવગે કરવાનો હતો, જેથી ગુનાના મૂળ શોધી ન શકાય.
સાયબર ગુનેગારો દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી SMS, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને પોતાની ખોટી ઓળખ ઊભી કરવામાં આવે છે. તેઓ TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકેનો ડોળ કરીને લોકોને ડરાવી-ધમકાવીને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે મોટા પાયે છેતરપિંડી આચરે છે. આ રીતે, તેઓ ભોગ બનનારને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાયા હોવાનો ભ્રમ ઊભો કરીને તેમના પાસેથી પૈસા પડાવી લે છે.
સાયબર છેતરપિંડીથી બચવા માટેની સાવચેતીઓ
- જનતાને સાયબર છેતરપિંડીથી બચવા માટે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ કાયદાકીય જોગવાઈ અસ્તિત્વમાં નથી. આથી, જો તમને TRAI, ED, CBI, RBI જેવી કોઈપણ સરકારી એજન્સીના નામે કોઈ કોલ આવે અને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ડરાવી-ધમકાવીને તમારી અંગત કે નાણાકીય માહિતી, ખાસ કરીને મિલકત સંબંધિત માહિતી માંગવામાં આવે, તો તે ક્યારેય આપશો નહીં.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર શેરબજારમાં ટૂંકા ગાળામાં અતિશય ઊંચા વળતરનું વચન આપતી રોકાણ કંપનીઓની જાહેરાતોથી સાવધાન રહો. આવી લોભામણી અને શંકાસ્પદ જાહેરાતો પર વિશ્વાસ કરીને કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો, કારણ કે તે મોટે ભાગે છેતરપિંડી જ હોય છે.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવતી .APK ફાઇલ્સ અથવા લોભામણી જાહેરાતોવાળી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો, કારણ કે તે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે અથવા તમારી અંગત માહિતી ચોરી શકે છે. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને વધુ સુરક્ષિત રાખવા માટે હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication) ચાલુ રાખો.
- દેશના કોઈપણ નાગરિકે લોભ-લાલચમાં આવીને પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવીને કોઈ અન્ય વ્યક્તિને કમિશન માટે કે ઉપયોગ કરવા માટે આપવા ન જોઈએ. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમના નાણાં સગેવગે કરવા અથવા મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ શકે છે, જે તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે.
- જો તમે ઉપરોક્ત દર્શાવેલી કોઈપણ પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમના ભોગ બનો છો, તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન – 1930 પર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. સમયસરની જાણકારી ગુનેગારોને પકડવામાં અને તમારા નુકસાનને ભરપાઈ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
