Gandhinagar News: નવરાત્રી-દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન ગ્રાહકો મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રુટ્સની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. આ ખરીદીમાં ગ્રાહકોને વજનમાં ઓછું આપવા કે છેતરવાના બનાવો ન બને તથા ગ્રાહકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહે તે હેતુસર ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી રમણ સોલંકીના માર્ગદર્શન હેઠળ કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તંત્ર દ્વારા નવરાત્રી-દશેરાના તહેવારો દરમિયાન તા. 11 થી 20 ઓક્ટોબર, 2026 અને દિવાળીના તહેવારો દરમિયાન તા. 28 થી 29 ઓક્ટોબર, 2026 દરમિયાન આ વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ દરમિયાન રાજ્યભરની 1,597 જેટલી મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રુટની દુકાનો, હોલસેલ વેપારીઓ, સુપરમાર્કેટ અને મોલ વગેરે પર સામુહિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસણી દરમિયાન કાયદા અને નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા કુલ 860 એકમો સામે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, અને દંડ સ્વરૂપે રૂ. 20,23,800/- ની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન મુખ્યત્વે વજનમાં ઓછું આપવું, વજનકાંટાનું ફેરચકાસણી/મુદ્રાંકન ન કરાવવું, પી.સી.આર. નિયમો હેઠળ ઉત્પાદક-પેકર રજીસ્ટ્રેશન ન કરાવવું તેમજ એમ.આર.પી. કરતાં વધુ ભાવ વસૂલવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં ચકાસણી-મુદ્રાંકન/ફેર ચકાસણી-મુદ્રાંકન ન કરાવવા બાબતના 515 કેસમાંથી રૂ. 6,61,300/- વસૂલ કરાયા છે. તે જ રીતે, પેકર રજીસ્ટ્રેશન ન કરાવવા બાબતના 69 કેસમાં રૂ. 5,08,000/-, અન્ય પ્રકારની ગેરરીતિના 145 કેસમાં રૂ. 3,46,500/-, વજન કે માપ ઓછું આપવા બાબતના 95 કેસમાં રૂ. 3,13,000/- અને એમ.આર.પી. કરતા વધુ ભાવ વસૂલવા કે ચેકચાક કરવા બાબતના 36 કેસમાં રૂ. 1,95,000/- ની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે.
કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા તહેવારોના સમયગાળામાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને વજન-માપમાં પારદર્શિતા જાળવવા આ સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કોઈપણ ગ્રાહકને વસ્તુના વજનમાં ઓછું આપવા બાબતે કે એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા બાબતે કોઈ ફરિયાદ હોય, તો તેઓ ગુજરાત રાજ્યની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ગ્રાહક ફરિયાદ અને માર્ગદર્શન માટે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) 1915 નો પણ સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
