Michhami Dukkadam Wishes: પવિત્ર પર્યુષણ મહાપર્વના પૂર્ણાહુતિ અને ક્ષમાપનાના મહાપર્વ એવા સંવત્સરી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ‘મિચ્છામી દુક્કડમ’ કહ્યું છે.
ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ
મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું સાચું પર્વ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મન, વચન અને કર્મથી અજાણતા કે જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ જ આ પર્વનો મુખ્ય સાર છે.
ભગવાન મહાવીરના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા પર ભાર
ભગવાન મહાવીર સ્વામીના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરુણા અને જીવદયાના શાશ્વત સિદ્ધાંતોને આપણા દૈનિક સમાજ જીવનમાં આત્મસાત કરવાથી માનવતાની શક્તિઓ વધુ પ્રગાઢ બનશે તેવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રીએ આ અવસરે વ્યક્ત કરી છે.
સર્વ ધર્મ સમભાવ અને પરસ્પર પ્રેમની ભાવના સાથે રાજ્યભરમાં આ પર્વ ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યું છે.
