CM Bhupendra Patel met PM Narendra Modi: ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠક અત્યંત ઉર્જાપૂર્ણ રહી હતી, જેમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસ અને 'વિકસિત ભારત'ના સંકલ્પમાં ગુજરાતના ફાળા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ રહ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 19, 2025
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ માનનીય મોદીજી સાથેની આ મુલાકાતમાં રાજ્યના સર્વાંગીણ વિકાસ તેમજ જનસુખાકારી માટે 'ટીમ ગુજરાત'ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
તાજેતરમાં આયોજિત રાજ્ય… pic.twitter.com/3jkMlvVwwH
'ટીમ ગુજરાત'ની પ્રતિબદ્ધતા
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને રાજ્યમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ ચાલી રહેલી કામગીરીથી માહિતગાર કર્યા હતા. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે 'ટીમ ગુજરાત' જનસુખાકારી અને સુશાસનના મંત્ર સાથે રાજ્યના ખૂણેખૂણા સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ નવા મંત્રીમંડળને લોકહિતના કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચિંતન શિબિરના નિષ્કર્ષ પર મંથન
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'ચિંતન શિબિર' આ મુલાકાતનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને શિબિરમાં થયેલા ગહન મંથન વિશે વિગતે જાણકારી આપી હતી. શિબિરમાં 'વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લેવામાં આવનારા નિર્ણયો વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા હતા.
પ્રધાનમંત્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન
મુલાકાત બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનું માર્ગદર્શન હંમેશા પ્રેરણા આપતું રહે છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ અને ગ્રીન એનર્જીના ક્ષેત્રે અગ્રેસર રાખવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. સાથે જ, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાતથી ગુજરાતના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથેની આ બેઠક ગુજરાતના ભાવિ આયોજન માટે અત્યંત મહત્વની સાબિત થશે.
