તમે ભારતીય સંસ્કૃતિને પુનઃ જીવંત કરી દીધી... ન્યૂજર્સી અક્ષરધામની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ ગદગદ થયા

વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે અમેરિકા પહોંચેલા CM ભૂપેન્દ્ર પટેલે ન્યૂજર્સી સ્થિત BAPS અક્ષરધામની મુલાકાત લઈ નિર્માણાધીન મ્યુઝિયમ અને સ્વયંસેવકોની સેવા ભાવનાના વખાણ કર્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 23 Aug 2026 05:50 PM (IST)Updated: Sun, 23 Aug 2026 05:50 PM (IST)
bhupendra-patel-visits-baps-akshardham-nj-hails-indian-culture

Bhupendra Patel Swaminarayan Akshardham: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકાની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ન્યૂજર્સીના રોબિન્સવિલે સ્થિત વિશ્વપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ અક્ષરધામની ખાસ મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતની પ્રેરક પ્રસ્તુતિની સાથે સ્વયંસેવકોના સમર્પણની ઉચ્ચ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીના આગમન ટાણે પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ પુષ્પહારથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

‘વાઇબ્રન્ટ ગુજરાત’ ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અર્થે અમેરિકા પહોંચેલા મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત આશરે 30 વર્ષ બાદ હોદ્દા પર રહેલા કોઈ મુખ્યમંત્રીની આ પ્રથમ અમેરિકા યાત્રા છે.

ઉષ્માભર્યું સ્વાગત અને પ્રતિનિધિમંડળ

અક્ષરધામ પરિસરમાં આગમન પર BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારનું વરિષ્ઠ સચિવોનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું, જેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. સંજીવ કુમાર અને સચિવ શ્રી વિક્રાંત પાંડેનો સમાવેશ થાય છે.

મુલાકાતના મુખ્ય આકર્ષણો અને પ્રતિભાવો

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અક્ષરધામ માત્ર એક પૂજાસ્થળ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, કલા, આધ્યાત્મિકતા અને શાશ્વત મૂલ્યોનો મહાઉત્સવ છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની સાથે સાથે અહીં BAPS અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ જોવા મળી છે.

નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની મુલાકાત

CM ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રથમ હિન્દુ મ્યુઝિયમોમાં સ્થાન પામનારા નિર્માણાધીન મ્યુઝિયમની વિશેષ મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં 12 સ્થાપત્ય પ્રતિકૃતિઓ, 40 મલ્ટીમીડિયા શો, 85 ડાયોરામા અને 200થી વધુ પ્રતિમાઓ દ્વારા ભારતની પ્રાચીન વિરાસત પ્રદર્શિત કરવામાં આવશે.

 

સંતો અને સ્વયંસેવકોની સરાહના

સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મ્યુઝિયમ જોઈને ઉદ્ગાર કાઢ્યા હતા કે- તમે ભારતની પ્રાચીન સંસ્કૃતિને પુનઃ જીવંત કરી દીધી છે.

નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા

મુખ્યમંત્રીશ્રીએ રાત-દિવસ સેવા આપતા સ્વયંસેવકો સાથે સંવાદ સાધી તેમની શિસ્ત, નમ્રતા અને આતિથ્ય ભાવનાને બિરદાવી હતી. તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ અક્ષરધામ આવનારી અનેક પેઢીઓને શાંતિ અને પ્રેરણા આપતું રહેશે.

આ મુલાકાત દરમિયાન અમેરિકાભરમાંથી ભારતીય સમુદાયના અગ્રણીઓ અને ડેલિગેટ્સ એકત્રિત થયા હતા. આ પ્રસંગે વિદેશમાં વસતા ભારતીયો માટે પોતાની સાંસ્કૃતિક ઓળખ અને મૂલ્યો જાળવી રાખવામાં BAPS સંસ્થાના વૈશ્વિક પ્રદાનને પુનઃ રેખાંકિત કરવામાં આવ્યું હતું.