લોકલ ડેસ્કઃ ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શૈક્ષણિક વર્ષ 2023-24ના RTE (રાઈટ ટુ એજ્યુકેશન) પ્રવેશની જાહેરાત અંતે કરી દેવાઈ છે. આ વર્ષે સરકારે RTEના પ્રવેશમાં મહત્વની જોગવાઈ ઉમેરી છે. હવે દરેક વાલીએ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ સાથે છેલ્લા ત્રણ વર્ષના ઈન્કમટેક્ષ રિટર્ન જમા કરવાના રહેશે. જે વાલી ઈન્કમટેક્ષ રિટર્ન ન ભરતા હોઈ તેઓએ સેલ્ફ ડેકલરેશન જોડવાનું રહેશે. આગામી 10મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને 24મી સુધી ભરાશે.
રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25% બેઠકો પર પ્રવેશ માટેની RTEની પ્રવેશ પ્રક્રિયા મોડે મોડે સરકાર દ્વારા જાહેર કરી દેવાઈ છે. RTE હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના તેમજ 13 કેટેગરીના બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે. ગત વર્ષે RTE હેઠળની બેઠકોમાં મોટો ઘટાડો થતા માત્ર 71 હજાર જેટલી બેઠકો હતી. પરંતુ 3થી 4 રાઉન્ડના અંતે ઘણી બેઠકો ખાલી રહી હતી. RTEમાં ધો.1ના કુલ પ્રવેશની 25% બેઠકો મુજબ આ વર્ષે RTEની બેઠકોમાં વધારો થશે અને અંદાજે 75 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ થશે.
સરકારે RTEના પ્રવેશના નિયમોમાં આ વર્ષે મહત્વનો સુધારો કર્યો છે. જે મુજબ હવે વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આવકના દાખલો- રહેઠાણનો પુરાવો સહીતના જરૂરી આધાર-પુરાવા ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષના ઈન્કમટેક્ષ રીટર્ન ઓનલાઈન જોડવાના રહેશે. પાનકાર્ડ ન હોય તેવા વાલીએ આવકવેરાને પાત્ર આવકતી ન થતી હોવાનું સેલ્ફ ડિકલરેશન ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. RTEના પ્રવેશ કાર્યક્રમ મુજબ 10 એપ્રિલથી 24 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે. શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ આવક મર્યાદા લાગુ પડશે. વિવિધ 13 કેટેગરીમાં ફોર્મ ભરાશે.