Saputara Monsoon Festival 2026: સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026 ક્યારથી શરૂ થશે? જાણો તારીખ, સ્થળ, મુખ્ય આકર્ષણો અને તમામ પ્રવૃત્તિઓ

Saputara Monsoon Festival 2026: ગુજરાતના સાપુતારામાં 8થી 29 ઓગસ્ટ 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન. જાણો તારીખ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ શેડ્યૂલની વિગતો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 07 Aug 2026 01:35 PM (IST)Updated: Fri, 07 Aug 2026 01:35 PM (IST)
saputara-monsoon-festival-2026-start-and-end-dates-location-key-highlights-and-activities

Saputara Monsoon Festival 2026: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ વચ્ચે યોજાનારો આ વાર્ષિક મહોત્સવ રાજ્ય તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે, ત્યારે સાપુતારાના પ્રવાસનને વેગ આપવા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026 ક્યારથી શરૂ થશે? (Saputara Monsoon Festival 2026 Date)

આ વર્ષે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 સુધી યોજાશે. ડાંગ જિલ્લામાં આવેલા સુંદર સાપુતારા તળાવ અને તેની આસપાસના મુખ્ય સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન સમગ્ર હિલ સ્ટેશન સાંસ્કૃતિક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ અને વિવિધ પ્રવૃત્તિઓથી જીવંત બનશે.

મહોત્સવનું ઉદ્ઘાટન ક્યારે અને કોના હસ્તે થશે?

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું સત્તાવાર ઉદ્ઘાટન 8 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે સાપુતારા સર્કલ નજીક આવેલા પી.એચ.સી. પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી (પ્રવાસન) જયરામ ગામીત સહિત અન્ય મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026 મુખ્ય વિગતો (Saputara Monsoon Festival 2026 Details)

  • ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડ: ભારતનાં 8 રાજ્યો - ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ અને હરિયાણાના 300થી વધુ કલાકારો પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે જીવંત લોક નૃત્યોની પરેડ રજૂ કરશે.
  • ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન: ગુજરાતના 110થી વધુ કલાકારો 'જયતુ જયતુ ગુજરાત', 'ઋતુરાજ આયો રે', આદિવાસી ફ્યુઝન ડાન્સ અને વાઇબ્રન્ટ ગરબા મેડલી થીમ પર શાસ્ત્રીય તથા લોક પરંપરાઓનું પ્રદર્શન કરશે.
  • સ્ટાર નાઇટ અને સંગીત સંધ્યા: ઉત્સવના સાપ્તાહિક કાર્યક્રમોમાં ગુજરાતના લોકપ્રિય કલાકારો જેવા કે બિરજદાન ગઢવી, અભિતા પટેલ, સંતવાણી ત્રિવેદી અને અઘોરી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે.
  • દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો: સ્થાનિક કલાકારો દ્વારા સાપુતારાના 3 મુખ્ય સ્થળો - સાપુતારા મેઈન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે દરરોજ સાંસ્કૃતિક પ્રદર્શનો રજૂ કરવામાં આવશે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026 આકર્ષણો અને કાર્યક્રમો (Saputara Monsoon Festival 2026 Attractions & Activities)

  • આર્ટ વિલેજ અને નેચર ટ્રેલ્સ: મુલાકાતીઓ આર્ટ ગેલેરી કમ આર્ટ વિલેજની મુલાકાત લઈ શકશે અને દૈનિક નેચર ટ્રેલ્સ દ્વારા ડાંગના કુદરતી સૌંદર્યને માણી શકશે.
  • વર્કશોપ અને લાઈવ ડેમો: વારલી આર્ટ વર્કશોપ, વાંસ વર્કશોપ, આદિવાસી ટેટૂ વર્કશોપ તેમજ પરંપરાગત વાદ્યો (ઢોલ, નગારા, ડાકલુ) અંગેના કાર્યક્રમો યોજાશે.
  • મનોરંજક રમતો અને સ્પર્ધાઓ: ટેલેન્ટ શો, ક્વિઝ સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, વિન્ટેજ ગેમ્સ, વાર્તા કહેવા, સંગીત ખુરશીઓ, તંબોલા (હાઉસી), મેમરી ચેલેન્જ, હ્યુમન સ્નેક રેસ અને પ્રવાસન જાગૃતિ કાર્યક્રમો.
  • આદિવાસી ફૂડ સ્ટોલ્સ: પ્રવાસીઓ સ્થાનિક આદિવાસી વાનગીઓના સ્વાદનો આનંદ માણી શકશે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026નો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?

  • 8 ઓગસ્ટ (ઉદ્ઘાટન દિવસ): 8 રાજ્યોના કલાકારો દ્વારા ગ્રાન્ડ પરેડ અને 'ઋતુરાજ આયો રે' થીમ પર ભવ્ય ઉદ્ઘાટન સમારોહ.
  • 8થી 29 ઓગસ્ટ (સંપૂર્ણ મહોત્સવ દરમિયાન): ડાંગની સાંસ્કૃતિક થીમ પર ટેબ્લો શો, દૈનિક નેચર ટ્રેલ્સ, મુખ્ય ડોમ તથા અન્ય 3 સ્થળોએ દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો અને કિડ્સ ઝોન (ટ્રેમ્પોલિન, બોક્સ ક્રિકેટ વગેરે).
  • 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ): દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી વિશેષ 'મિની મેરેથોન' દોડનું આયોજન.