Dang Mountaineer Bhovan Rathod: ડાંગ જિલ્લાના સાહસિક પર્વતારોહક ભોવાન રાઠોડે ફરી એકવાર મજબૂત ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો છે. હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં આવેલા 6,111 મીટર ઊંચા ‘માઉન્ટ યુનમ’ શિખરને ભોવાન રાઠોડે સફળતાપૂર્વક સર કરીને તિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ સાથે તેમણે ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.
કઠીન પરિસ્થિતિઓ વચ્ચે મેળવી સિદ્ધિ
માઉન્ટ યુનમનું પર્વતારોહણ અત્યંત પડકારજનક રહ્યું હતું. આ અભિયાનમાં કુલ 10 પર્વતારોહકો જોડાયા હતા. પરંતુ કાતિલ ઠંડી, ઓક્સિજનની અછત અને તેજ પવન જેવી વિષમ પરિસ્થિતિઓને કારણે માત્ર 4 સ્પર્ધકો જ શિખર સુધી પહોંચવામાં સફળ રહ્યા, જેમાં ભોવાન રાઠોડનો સમાવેશ થાય છે. પર્વતારોહણ ક્ષેત્રે આ તેમની સાતમી મોટી સફળતા છે.
ક્યાં આવેલું છે આ માઉન્ટ યુનમ શિખર?
માઉન્ટ યુનમ હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં મનાલી-લેહ માર્ગ પર, બારાલાચા લા પાસ નજીક સ્થિત છે. આ શિખર સર કરવા માટેનો બેઝ કેમ્પ ભારતપુર વિસ્તારમાં બનાવવામાં આવે છે. સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન અહીં પર્વતારોહણ કરવામાં આવતું હોય છે.
આગામી લક્ષ્યાંક: માઉન્ટ એવરેસ્ટ સર કરશે
હિમાલયના અનેક ઊંચા શિખરો સર કરનાર ભોવાન રાઠોડ હવે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર નજર ટકાવીને બેઠા છે. તેમનું સ્વપ્ન માઉન્ટ એવરેસ્ટ સર કરીને ત્યાં દેશનો સૌથી મોટો તિરંગો લહેરાવવાનું છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારના યુવાનો માટે તેઓ આજે પ્રેરણાસ્રોત બન્યા છે.
દાતાઓ અને સહયોગીઓનો આભાર માન્યો
આ સાહસિક અભિયાનને સફળ બનાવવા માટે ભોવાન રાઠોડને અનેક લોકોએ આર્થિક અને નૈતિક ટેકો આપ્યો હતો. તેમણે વિજયભાઈ પટેલ, રાજેશભાઈ ગામીત, સ્નેહલ ઠાકરે સહિતના તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો, જેમણે તેમના આ સપનાને સાકાર કરવામાં મદદ કરી હતી.
