Sarita Gayakwad Fraud Case: ડાંગ જિલ્લા પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારા એથ્લીટ સરિતા ગાયકવાડ નાણાંકીય છેતરપિંડીનો ભોગ બન્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રેતીના બિઝનેસમાં દર મહિને 4 ટકાના આર્થિક ફાયદાની લાલચ આપીને વ્યારાના એક શખ્સે કુલ રુ.69.10 લાખની ઠગાઈ આચરી છે. સમગ્ર મામલે સરિતા ગાયકવાડે આહવા એસઓજી ખાતે પોતે હાજર રહીને આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને આર્થિક ઠગાઈની ઓફિશિયલ એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવી છે.
નેશનલ એથ્લિટ બન્યા છેતરપિંડીનો શિકાર
મળતી વિગત પ્રમાણે, વર્ષ 2024માં ડાંગના આહવા તાલુકાના ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના મિત્ર જીતેન્દ્ર દ્વારા સરિતા ગાયકવાડની ઓળખાણ વ્યારા તાલુકાના બોરખડી ગામના રહેવાસી નિતિનભાઈ ભારતી સાથે થઈ હતી. જેમાં સરિતા ગાયકવાડે આક્ષેપ લગાવ્યો હતો કે, નિતિન ભારતી પોતે રેતીના કરોડોના બિઝનેસમાં જોડાયેલો છે. તેમજ જો સરિતા ગાયકવાડ તેમાં રોકાણ કરે તો 4 ટકા નફો અને એક વર્ષના અલ્પગાળામાં મૂળ રકમ પરત આપશે. તેવી આરોપીએ સરીતા ગાયકવાડને ખાતરી આપી હતી.
આરોપીએ 69 લાખની ઠગાઈ આચરી
આરોપીની વાતમાં આવીને સરિતા ગાયકવાડે તબક્કાવાર બેન્ક એકાઉન્ટ અને ફોન પેના માધ્યમથી રુ.69.10 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે, રોકાણ કર્યા બાદ આરોપી નિતિન ભારતીએ પૈસા કે નફો સરિતાને પરત આપ્યો નહી. જોકે. વારંવાર રજૂઆતો બાદ આરોપીએ માત્ર 1.80 લાખ જ પરત કર્યા. જ્યારે બાકી નીકળતી રકમ 67.30.056ની રકમ માટે બહાના કાઢીને વાયદાઓ આપતો હતો.
સરિતા ગાયકવાડે નોંધાવી FIR
આરોપી નીતિન ભારતીએ પોતાની ઠગાઈ છુપાવવા માટે સરિતાને વોટ્સએપ પર રુ.30 લાખનો ચેકનો ફોટો પણ સેન્ડ કર્યો. પરંતુ તે ચેક ક્યારેય આપ્યો નહીં. આખરે છેલ્લા બે માસથી આરોપીએ પોતાનો ફોન બંધ કરી દેતાં, છેતરપિંડીનો અહેસાસ થતાં સરિતા ગાયકવાડે આહવા એસઓજી શાખામાં લેખિત જાણ છે. હાલ એસઓજીએ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
