Dahod News: દાહોદમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ટેશન રોડ સ્થિત એક ખાનગી હૉસ્પિટલની બહાર મધ્ય પ્રદેશના એક મૃતક યુવકના સ્વજનો તાંત્રિક ભૂવાને લઈને ખુલ્લેઆમ વિધિ કરવા પહોંચ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું.
મૃતક યુવકની આત્માને 'ઘરે પરત' લઈ જવાની માન્યતા
મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભોલાસા ગામના એક યુવકનું માર્ગ અકસ્માત બાદ દાહોદની આ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારની દૃઢ માન્યતા હતી કે તેમના પરિજનની આત્મા હજી પણ હૉસ્પિટલના પરિસરમાં જ કેદ છે અને તે ઘરે પરત ફરી નથી, તેથી તેનો મોક્ષ અટકી ગયો છે.
ભૂવાએ ધૂણવાનું શરૂ કર્યું, ફટાકડા ફોડાયા
આ 'અટકેલી આત્મા'ને મુક્ત કરવા અને તેને લઈને ઘરે જવા માટે પરિવારજનો તાંત્રિક ભૂવાને સાથે લઈને હૉસ્પિટલની સામે જ પહોંચ્યા હતા. અહીં જાહેરમાં જ વિધિ શરૂ કરવામાં આવી, જેમાં તાંત્રિક ભૂવો તીવ્રતાથી ધૂણતો જોવા મળ્યો. આ દરમિયાન વિધિના ભાગરૂપે હૉસ્પિટલ બહાર જોરદાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
થોડા સમય બાદ, ભૂવાએ ધૂણતા ધૂણતા જ એક સફેદ કપડામાં 'આત્મા'ને બાંધી લીધી હોવાનો ડોળ કર્યો હતો. મૃતકના પુત્ર લોકન્દ્રસિંહ ગામડે મીડિયાને જણાવ્યું હતું કે, "અમે ભૂવાને બતાવ્યું ત્યારે જાણ થઈ કે મારા પિતાની આત્મા દવાખાનામાં જ છે. હવે અમે આત્માને ઘરે લઈ જઈને અમારા રિવાજ મુજબ પૂજા અને સેવા ચાકરી કરીશું."
