દાહોદ: રતનમહાલમાં નર વાઘ માટે લવાશે બે માદા વાઘણ, રૂ. 5 કરોડના ખર્ચે બનશે 5 હેક્ટરમાં વિશેષ એન્ક્લોઝર

દાહોદના રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં નર વાઘ માટે માદા વાઘણ લાવવાની કવાયત તેજ બની છે. આ માટે 5 કરોડના ખર્ચે 4-5 હેક્ટરમાં વિશેષ ફેન્સ્ડ એન્ક્લોઝર બનાવાશે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 11:22 AM (IST)Updated: Sun, 01 Nov 2026 11:22 AM (IST)
dahod-ratanmahal-tiger-project-enclosure-construction-female-tigress-relocation

Gujarat Tiger Project: દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં વસવાટ કરતાં નર વાઘ માટે માદા વાઘણને લાવવાની કવાયત તેજ કરવામાં આવી છે, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય હેઠળની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ભલામણોને પગલે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રતનમહાલ જંગલ વિસ્તારમાં આશરે રુ.5 કરોડના ખર્ચે 4થી 5 હેક્ટરમાં ફેન્સ્ડ એન્ક્લોઝર ( ઘેરાયેલો વાડો) બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જોકે, બાંધકામની પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગશે, જેથી માદા વાઘણના આગમનને અંદાજે 3 મહિના જેટલું સમય લંબાવી શકે છે.

નર વાઘ માટે માદા લાવવાની યોજના

મધ્યપ્રદેશથી સ્થળાંતર કરીને આવેલો આ નર વાઘ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દાહોદના રતનમહાલ જંગલમાં મુક્તપણે વિહરી રહ્યો છે. વન વિભાગ દ્વારા નાઇટ કેમેરા ટ્રેપ અને ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમ મારફતે સતત તેની હિલચાલ પર વોચ રાખવામાં આવી રહી છે. એકલવાયા વાઘને યોગ્ય પાર્ટનર મળે અને રાજ્યમાં વાઘની વસ્તીમાં વધારો થાય તે માટે મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્રથી બે નાની વયની માદા વાઘણો લાવવાની યોજના બનાવાઈ છે .

ડબલ લેયર એન્ક્લોઝર ઊભુ કરાશે

નિવૃત PCCF ડો. એસ.એસ. સિંહના અધ્યક્ષસ્થાને બનેલી 3 સભ્યોની નિષ્ણાંત સમિતિએ રતનમહાલ જંગલ નજીકના એક ગામ સાગટાળા પાસે આ એન્ક્લોઝર બનાવવાની સલાહ આપી છે. કારણ કે, આ વિસ્તારમાં વાઘ વધારે સક્રિય જોવા મળ્યો છે. આ વાડાની ડિઝાઈનની વાત કરીએ તો, ડબલ લેયર ફેન્સિંગ અને ડબલ ડોર એન્ટ્રી સિસ્ટમ રાખવામાં આવશે. જેથી પ્રાણીઓની સુરક્ષા સચવાય અને વનકર્મીઓની અવરજવર સરળ રહે.