દાહોદમાં પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના બંગલાની સફાઈ માટે ફાયર ફાઈટર મોકલાતા વિવાદ, તપાસના આદેશ

ફાયર ફાઈટરની ટીમ બંગલે પહોંચી પાણીથી સફાઈ કામગીરી કરી રહી હતી. જોકે, સ્થળ પર કોઈ ઈમરજન્સી ન હોવાનું જણાતાં ફાયર કર્મચારીએ આ અંગેનો વીડિયો બનાવી ઉચ્ચ અધિકારીને મોકલ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 05:21 PM (IST)Updated: Mon, 05 Oct 2026 05:21 PM (IST)
dahod-fire-fighter-controversy-fire-tender-sent-to-clean-former-ministers-bungalow

Dahod News: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં સરકારી ફાયર ફાઈટરના કથિત દુરુપયોગને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ સર્જાયો છે. દેવગઢ બારીઆના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના ધાનપુર તાલુકાના પીપેરો ગામે આવેલા ખાનગી નિવાસસ્થાન (બંગલા)ને પાણીથી ધોવા માટે નગરપાલિકાનું ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ફાયર ફાઈટરની ટીમ બંગલે પહોંચી પાણીથી સફાઈ કામગીરી કરી રહી હતી. જોકે, સ્થળ પર કોઈ ઈમરજન્સી ન હોવાનું જણાતાં ફાયર કર્મચારીએ આ અંગેનો વીડિયો બનાવી ઉચ્ચ અધિકારીને મોકલ્યો હતો. બાબત ધ્યાને આવતાં ફાયર ઓફિસરે તાત્કાલિક કામગીરી અટકાવી હતી. નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે સ્પષ્ટતા કરી હતી કે ધારાસભ્યના ફોન બાદ આકસ્મિક બનાવ સમજીને ટીમ મોકલાઈ હતી. વિવાદ સર્જાતાં તંત્ર દ્વારા નિયમ મુજબ રૂ. 2700 ફી પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. જોકે, વિરોધ પક્ષો અને સ્થાનિકો આ રકમ વસૂલી સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો કરી રહ્યા છે.

મામલો વકરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોગબુકની નોંધ, વાહન મોકલવાનો લેખિત કે મૌખિક આદેશ અને વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તાના દુરુપયોગનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આંદોલનની ચીમકી આપી છે. આ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય બચુભાઈ ખાબડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.