Dahod News: દાહોદ શહેરમાં લોકોને જાણે પોલીસ અને કાયદાનો ભય જ ન રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે, ગોધરા રોડ નજીક સાંસીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ભયંકર અને લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. સાંસીવાડમાં બનેલી ઘટનાને લીધે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ વિભાગ દોડતું થઈ ગયું.
સાંસીવાડમાં બે જૂથો વચ્ચે અથડામણ
મળતી માહિતી પ્રમાણે, દાહોદ શહેરમાં આવેલા સાંસીવાડમાં ગત રોજ એક કોમના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય બાબતે તકરાર થઈ હતી. શરુઆતમાં તો સામ સામેના પક્ષો ફક્ત બોલાચાલી જ કરી રહ્યા હતા. પરંતુ જોતજોતામાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બંને જૂથોના લોકો તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા.
3 લોકોને ઈજાઓ પહોચી
આ લોહિયાળ ધીંગાણામાં લોકો એકબીજા પર હુમલાઓ કરવા લાગ્યા હતા આ ગંભીર બનાવમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને પળનોય વિલંબ કર્યા વગર સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. બીજી બાજું પોલીસને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાંસીવાડ ખાતે આવી હતી.
પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
પોલીસે સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાંસીવાડ વિસ્તારમાં બનેલી ઘટનાના લીધે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે ભય ફેલાયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે બંને પક્ષોની પૂછપરછ કરીને ગુનો નોંધીને વધુની કાર્યવાહી શરુ કરી છે. તેમજ દોષિતોને કાયદાનો પાઠ ભણાવવાની તજવીજ હાથ ધરી છે.
