Salangpur Hanuman Patotsav 2026: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન પરમ પાવન તીર્થધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 178મો વાર્ષિક પાટોત્સવ વિક્રમ સંવત 2082ના આસો વદ-5, શુક્રવાર (30 ઓક્ટોબર 2026)ના રોજ અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવશે.
મહોત્સવની પૃષ્ઠભૂમિ અને પ્રેરણા
ધોલેરા ધામના મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અને ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આ આયોજન કરાયું છે. વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદ તેમજ અક્ષરનિવાસી સાધુ શ્યામવલ્લભદાસજી સ્વામીની પુણ્યસ્મૃતિમાં સંતોની પ્રેરણાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિદિવસીય ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’ અને પોથીયાત્રા
પાટોત્સવના પાવન પ્રસંગે 28 ઓક્ટોબર (બુધવાર) થી 30 ઓક્ટોબર (શુક્રવાર) દરમિયાન 3 દિવસીય "શ્રી હનુમંત ચરિત્ર કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.
- કથા વક્તા: શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)
- પોથીયાત્રા પ્રસ્થાન: 28 ઓક્ટોબર, બુધવારે સાંજે 4:00 કલાકે ‘શ્રી નીલકંઠ મહાદેવ મંદિર’થી વિરાટ પોથીયાત્રા નીકળશે.
| સમય | ધાર્મિક પ્રસંગ / વિધિ |
| સવારે 05:30 કલાકે | મંગળા આરતી |
| સવારે 07:00 કલાકે | શણગાર આરતી |
| સવારે 08:00 કલાકે | દાદાનો દિવ્ય અભિષેક |
| સવારે 11:00 કલાકે | અન્નકૂટ આરતી |
| સવારે 11:30 કલાકે | શ્રી હનુમંત ચરિત્ર કથા પૂર્ણાહૂતિ |
| બપોરે 12: કલાકે | મારુતિયજ્ઞ પૂર્ણાહૂતિ |
દિવ્ય ધાર્મિક વિધિઓ અને મહાપ્રસાદ
પાટોત્સવના દિવસે આચાર્ય મહારાજ તથા સંતોના વરદ હસ્તે દાદાનો શાસ્ત્રોક્ત વિધિથી દિવ્ય અભિષેક, પાટોત્સવ પૂજન અને મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની પવિત્ર વિધિ સંપન્ન થશે.
ભાવિક ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ
મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા સમગ્ર સંત અને પાર્ષદ મંડળ દ્વારા દેશ-વિદેશના તમામ હરિભક્તોને દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ દર્શન, યજ્ઞ, કથાશ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા પરિવાર સાથે પધારવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
