Kutch News: ગીતા રબારીના લોક ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થયો છે. કચ્છના રાપરમાં યોજાયેલા એક લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. ડાયરામા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા શ્રોતાઓ દ્વારા ઉડાડવામાં આવ્યા હતા. કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા રબારી પર 4.50 કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ લોક ડાયરો પાંજરાપોળના પશુઓના લાભાર્થે યોજવામાં આવ્યો હતો.
પાંજરાપોળમાં પશુઓના લાભાર્થે યોજવામાં આવેલા ડાયરામાં આટલા બધા રૂપિયાનો વરસાદ કરવામાં આવતા ગૌશાળાના સંચાલકો ખુશ થઇ ગયા હતા. રાપરમાં આવેલા પાંજરાપોળમાં કચ્છી જૈન ઓસવાલ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુકુળ રિંગ રોડ ખાતે આ લોક ડાયરો યોજાયો હતો. જેમાં લોક ગાયિકા ગીતા રબારીને બોલાવવામાં આવ્યા હતા. ગીતા રબારી પર કરવામાં આવેલા રૂપિયાના વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ડાયરાની શરૂઆત થતાંજ એક પછી એક શ્રોતાગણ સ્ટેજ પર આવ્યા હતા અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા. જોત જોતામાં 4.50 કરોડ રૂપિયા ડાયરામાં ઉડાડવામાં આવ્યા હતા.
