કચ્છની દીકરીનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો: સભાઈબેન ગઢવી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 માટે ભારતીય ટીમમાં પસંદગી પામી

કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઈબેન ગઢવીની કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 07:30 AM (IST)Updated: Thu, 29 Oct 2026 07:30 AM (IST)
kutch-sabhaiben-gadhvi-selected-indian-team-commonwealth-kabaddi-championship-2026

Commonwealth Kabaddi Championship 2026: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની સામાન્ય ખેડૂત પુત્રી ગઢવી સભાઈબેન વાછીયાભાઈ ગઢવીએ (બાનાયત) કબડ્ડીના મેદાનમાં પોતાની પ્રતિભાનો પરચો આપીને આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. મર્યાદિત સંસાધનો અને અનેક પડકારો વચ્ચે પણ પોતાની અડગ હિંમત અને આકરા પરિશ્રમ થકી સભાઈબેને તાજેતરમાં રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026 માટે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવ્યું છે.

સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ

સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર મહિલા ખેલાડી તરીકે તેમની પસંદગી થવી એ માત્ર તેમના પરિવાર કે કચ્છ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. સભાઈબેનની આ સફળતાની સફર તેમના જ ગામની મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં.2 માંથી શરૂ થઈ હતી. ધોરણ 1 થી 8 ના અભ્યાસ દરમિયાન જ તેમનામાં રમતગમત પ્રત્યેનો વિશેષ લગાવ અને કબડ્ડીની પ્રતિભા જોવા મળતી હતી.

પરિવારની દીકરીમાં અસાધારણ પ્રતિભા

શાળાકક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી રમતાં-રમતાં તેમની આવડત વધુ નિખરી હતી. આ સફરમાં શાળાના આચાર્ય મયુરભાઈ જોશી, કોચ અને શિક્ષક હરેશકુમાર પંડ્યા તથા મદનસિંહ ચૌહાણનું માર્ગદર્શન નિર્ણાયક સાબિત થયું હતું. એક સામાન્ય પરિવારની દીકરીમાં રહેલી અસાધારણ ખેલ પ્રતિભાને યોગ્ય દિશા આપવાનું ભગીરથ કાર્ય આ શિક્ષકોએ કર્યું હતું, જેનું શ્રેષ્ઠ પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

સભાઈબેનની ઐતિહાસિક સિદ્ધિ

સભાઈબેને પોતાની પ્રતિભાને વધુ પ્રખર બનાવવા વર્ષ 2018માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) ની પસંદગી પરીક્ષા આપી હતી, જેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયાં હતાં. ત્યારબાદ તેમણે મોરબીની નવજીવન વિદ્યાલયમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવી કબડ્ડીની ઘનિષ્ઠ તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે વર્ષ 2022-23 માં સ્વામી વિવેકાનંદ બિનનિવાસી સંવર્ધન કેન્દ્ર અને વર્ષ 2023-24 દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) હેઠળ પણ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી હતી. સભાઈબેનની આ ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમ હોય તો ગામડાની દીકરી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ

દીકરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં સભાઈબેનના માતા-પિતાનો અડગ વિશ્વાસ અને શિક્ષકોની મહેનત પણ એટલી જ પ્રશંસનીય છે. આ સફળતા માત્ર એક ખેલાડીની નહીં, પરંતુ ગ્રામીણ પ્રતિભા, પરિવારના સમર્પણ અને શિક્ષકોના નિષ્ઠાપૂર્ણ માર્ગદર્શનની જીત છે. સભાઈબેન ગઢવીની આ સિદ્ધિ સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે અને દીકરીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નવો માર્ગ ચીંધે છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર વતી સભાઈબેનને આ ગૌરવવંતી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.