Kutch Minor Rape Case: કચ્છ જિલ્લાથી પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 14 વર્ષની સગીરા સાથે પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ અને માતા દ્વારા મોબાઈલમાં ફોટા પાડવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોક્સો (POCSO) એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધી આરોપી માતા-પિતાની અટકાયત કરી છે.
કચ્છ જિલ્લામાં એક 14 વર્ષની સગીર પુત્રીએ પોતાના જ માતા-પિતા પર શારીરિક શોષણ અને પ્રતાડનાના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતાની ફરિયાદ અનુસાર, તેના પિતાએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું અને આ ગુના દરમિયાન તેની માતા પોતાના મોબાઈલથી અશ્લીલ તસવીરો ખેંચતી રહી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી માતા-પિતાને કસ્ટડીમાં લઈ લીધા છે.
મૂળ અન્ય રાજ્યનો રહેવાસી આ પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 14 વર્ષની કિશોરી ફોન પર એક છોકરા સાથે વાત કરી રહી હતી. માતાએ તેને જોઈ લીધી અને પિતા સામે ફરિયાદ કરી કે પુત્રી કોઈ છોકરાના સંપર્કમાં છે. આ સાંભળીને ગુસ્સામાં આવેલા પિતાએ સૌપ્રથમ તો પુત્રીને ઢોર માર માર્યો અને ત્યારબાદ તેને એક રૂમમાં પૂરી દીધી હતી. પીડિતાને ભૂખી-તરસ્યા રાખવામાં આવી હતી.
પીડિતાનો આરોપ છે કે તેની સાથે 20 અને 29 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોબરના રોજ દરિંદગી આચરવામાં આવી હતી. ગત 1 ઓક્ટોબરે જ્યારે પિતા તેનું જાતીય શોષણ કરી રહ્યા હતા, ત્યારે તેની માતાએ ફોનથી તેની તસવીરો લીધી હતી. આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ પીડિતા કોઈક રીતે ઘરમાંથી ભાગીને પોતાની ફોઈના ઘરે પહોંચી અને ઈમરજન્સી નંબર 112 પર કોલ કર્યો હતો. પરંતુ માતા-પિતા ત્યાં પહોંચી ગયા, અને તેને ઢસડીને ફરી ઘરે લઈ આવ્યા હતા.
1 ઓક્ટોબરની રાત્રે થયેલી બર્બરતા બાદ, 2 ઓક્ટોબરની સવારે જ્યારે પિતા કામ પર ગયા, ત્યારે સગીરા ફરીથી ગમે તેમ કરીને ભાગીને પોતાની ફોઈ પાસે પહોંચી હતી અને આપવીતી જણાવી હતી. ત્યારબાદ ફોઈની મદદથી તરત જ પોલીસ હેલ્પલાઈનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરાનું રેસ્ક્યુ કર્યું હતું.
આરોપી માતા-પિતા વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પીડિતાને બાલ કલ્યાણ સમિતિ (CWC) ના સંરક્ષણમાં મોકલવામાં આવી છે. પોલીસે આરોપી માતાનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે, અને ફોટોગ્રાફ્સ તેમજ ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
