કચ્છમાં સર્પદંશના કેસો અને મૃત્યુની નોંધણી ફરજિયાત, 24 કલાકમાં IHIP પોર્ટલ પર વિગતો આપવી પડશે

કચ્છ જિલ્લામાં સર્પદંશના તમામ કેસ અને મૃત્યુની માહિતી 24 કલાકમાં IHIP પોર્ટલ પર અપલોડ કરવી પડશે. સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે આરોગ્ય વિભાગનો કડક આદેશ. જાણો સંપૂર્ણ વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 01 Nov 2026 10:06 PM (IST)Updated: Sun, 01 Nov 2026 10:06 PM (IST)
kutch-mandates-snakebite-reporting-on-ihip-portal-in-24-hrs

Kutch News: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત 22 સપ્ટેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અનુસંધાને, કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે નિયમ લાગુ

જાહેર આરોગ્યના હિતમાં જિલ્લાની તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત તેમજ ખાનગી આરોગ્ય સંસ્થાઓ (હોસ્પિટલો અને ક્લિનિક્સ)એ સર્પદંશના તમામ કેસો તથા તેનાથી થતાં મૃત્યુની સંબંધિત સત્તાધિકારીને ફરજિયાત જાણ અને નોંધણી કરવાની રહેશે.

24 કલાકમાં આપવી પડશે માહિતી

આ જાહેરનામાની માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ આરોગ્ય સંસ્થામાં સર્પદંશનો શંકાસ્પદ કે પુષ્ટિ પામેલો કેસ ઓળખાય અથવા દર્દી સારવાર માટે દાખલ થાય, ત્યારે શક્ય હોય ત્યાં સુધી 24 કલાકની અંદર તેની જાણ નિર્ધારિત પદ્ધતિ મુજબ સંબંધિત આરોગ્ય સત્તાધિકારીને કરવાની રહેશે.

IHIP પોર્ટલ પર 100% નોંધણી અનિવાર્ય

આ ઉપરાંત, સર્પદંશના તમામ કેસો અને તેના કારણે થતાં મૃત્યુની ભારત સરકારના 'IHIP' (Integrated Health Information Platform) પોર્ટલ પર 100 ટકા નોંધણી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

સમયસર નોંધણીથી આરોગ્યલક્ષી પગલાં લેવામાં સરળતા

જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્ર હેઠળની તમામ હોસ્પિટલોમાં આ નિયમનો કડક અમલ થાય અને સમયસર અહેવાલ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ વ્યવસ્થાથી સર્પદંશના કેસોની સમયસર નોંધણી થશે, જેથી રોગચાળાની યોગ્ય દેખરેખ રાખી શકાશે અને જરૂરી જાહેર આરોગ્યલક્ષી પગલાં સત્વરે લઈ શકાશે.

આથી, કચ્છ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને સર્પદંશના કેસોની સમયસર જાણ કરી IHIP પોર્ટલ પર સંપૂર્ણ નોંધણી કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.