ઈરાનનો ડ્રોન પ્રહાર: દુબઈથી સોમાલિયા જતું કચ્છના માંડવીનું જહાજ હોર્મુઝની ખાડીમાં ડૂબ્યું

હોર્મુઝની ખાડીમાં કચ્છના માંડવીના કાર્ગો જહાજ MSV ક્યુબા પર ઈરાનના ડ્રોન હુમલાના અહેવાલો. જહાજમાં આગ લાગ્યા બાદ સ્થાનિક માછીમારોએ માંડવી અને સલાયાના 13 ખલાસીઓને બચાવ્યા, 2 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 08:33 AM (IST)Updated: Fri, 30 Oct 2026 08:33 AM (IST)
kutch-cargo-ship-iran-attack-hormuz-strait-13-sailors-rescued

Kutch News: મિડલ ઈસ્ટમાં યુએસ-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક તણાવની ગંભીર અસર દરિયાઈ વેપારી માર્ગો પર જોવા મળી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બનતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર હુમલાનું જોખમ ખૂબ વધ્યું છે. આ દરમિયાન દુબઈથી સોમાલિયા જઈ રહેલા કચ્છના માંડવીના એક કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલા બાદ જહાજ આગની લપેટમાં આવીને હોર્મુઝની ખાડીમાં જ જળમગ્ન થઈ ગયું હતું.

13 ખલાસીઓનો બચાવ કરાયો

દુબઈથી જનરલ કાર્ગો ભરીને સોમાલિયા જઈ રહેલું MSV ક્યુબા નામના આ જહાજમાં કચ્છ-માંડવી અને સલાયાના કુલ 13 ખલાસીઓ સવાર હતા.ઓમાનના કસબ બંદર નજીક હુમલો થતાં જ સ્થાનિક માછીમારો તાત્લાકિક મદદે પહોચ્યા હતા. સ્થાનિક માછીમારોએ સળગતા જહાજમાંથી 13 ખલાસીઓને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા. પરંતુ આ અફરાતફરીમાં 2 ખલાસીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઓમાનની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

વહાણ મુંબઈના વ્યક્તિની માલિકીનું

કચ્છ વહાણવટી એસોસિએશનના પ્રમુખ હાજી ઈશા થૈમે માહિતી આપી કે, આ જહાજ મુંબઈના અબ્દુલમતીન ઈકબાલ મકલાઈની માલિકીનું હતું. તેનું રજિસ્ટ્રેશન અને નિર્માણ માડવીમાં કરવામાં આવ્યું હતું. માંડવી ખાતે રજિસ્ટર્ડ થયેલા આ 42.05 મીટર લાંબા વહાણમાં માંડવી અને સલાયાના 13 ખલાસીઓ સવાર હતા.

કેપ્ટન અબ્દુલમજીદ તારમામદ કારાણી ખલાસીઓ અરવિંદ રાજભાર, આસીફ ઈસ્માઈલ સોઢા, દુદનાથ ભાણશી રામનાથ, જુસબ અહેમદ સીદી, મનોજકુમાર ભારદ્વાજ, નકિલ સિધિક સાંગનાની, રફીક કાસમ રૂમી અને સલીમ મહમદહુસેન બેલીમ.અબ્દુલ રજાક અલીમામદ ભટ્ટી, અબ્દુલ રજાક ઈશાકડાડા ભોલીમ, અબ્દુલ રજાક હામીદ થૈમ, અનવર જુસબ જુમાની સવાર હતા.