એક તરફ ધો. 10નું પરિણામ જાહેર થયાં બાદ સારા ટકા સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે તો બીજી તરફ ધાર્યા કરતા નબળું પરિણામ આવવાથી વિદ્યાર્થીઓ નાસીપાસ પણ થયાં છે. આવોજ એક કિસ્સો ભુજના જૂની રાવલવાડી ગામમાં બનવા પામ્યો છે. જ્યાં ધો. 10માં નબળું પરિણામ આવતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પુત્રના આ પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસર, ભુજ જિલ્લાના જૂની રાવલવાડી ગામમાં રહેતા હર્ષિત ધુઆ નામના વિદ્યાર્થીનું ધો.10નું પરિણામ નબળું આવ્યું હતું. પરિણામ નબળું આવવાથી હર્ષિત નાસિપાસ થયો હતો અને સવારો પોતાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હર્ષિત નામના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો હોવાની જાણ થતાં આસપાસ રહેતા લોકો અને સંબંધીઓ આવી પહોંચ્યા હતા.
વિદ્યાર્થી દ્વારા નાસિપાસ થઇને આ પ્રકારનું પગલું ભરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી અને હર્ષિતના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.