Gandhidham Oslo Overbridge: ગાંધીધામના ટાગોર રોડ પર નિર્માણાધીન ઓસ્લો ઓવરબ્રિજનું અટકેલું કામ ફરી શરૂ થયા બાદ હવે તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે. ઓવરબ્રિજના બાકી રહેલા બે સ્લેબનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 12 ફેબ્રુઆરીના 'ગાંધીધામ સ્થાપના દિવસ' (Gandhidham Day) નિમિત્તે ઓસ્લો ઓવરબ્રિજનું લોકાર્પણ થાય તેવી પ્રબળ સંભાવના છે.
વિરોધ બાદ થયેલી સર્વસંમતિથી કામ ઝડપી બન્યું
નોંધનીય છે કે, બે વર્ષ અગાઉ દિવાળી પહેલા ઓસ્લો ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલમાં વર્ષોથી સ્થાપિત પ્રતિમાને ખસેડવા અંગે વિરોધ ઉભો થતાં નિર્માણ કાર્ય અટવાઈ ગયું હતું. ત્યારબાદ તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ થતા ફરીથી કામ શરૂ થયું હતું. હવે ટૂંક સમયમાં બ્રિજનું કામ પૂર્ણ થતાં ગાંધીધામના શહેરીજનોને ભારે ટ્રાફિક અને ખાડાઓની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
ડાયવર્ઝન અને અનુકૂળતા અંગે વાહનચાલકોમાં ચિંતા
બીજી તરફ, ગત મહિને પાલનપુરમાં નિર્માણાધીન ROB નાકેટલાક પાર્ટ પડી જવાની ઘટના બાદ રાજ્યમાં ચાલતા અંડર-કન્સ્ટ્રક્શન કાર્યોની આસપાસના વિસ્તારને બંપ/સુરક્ષિત કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ઓન-રેકોર્ડ દેખાડવા માટે ઓસ્લોઓવરબ્રિજનો એક તરફનો સર્વિસ રોડ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
જોકે, આ ડાયવર્ઝન વાહનચાલકો માટે જરાય અનુકૂળ નથી. વાહનો ઉભા રહીને આગળ-પાછળ થતા અકસ્માત અને ટક્કરની ભારે ભીતિ રહે છે. R&B વિભાગ, ઠેકેદાર, પાલિકા કે સ્થાનિક આગેવાનોમાંથી કોઈ પણ આવી મૂળભૂત સુરક્ષા બાબતો પર ધ્યાન આપતું ન હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
