Kutch Loksabha Seat: ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની 26 બેઠકો પર એકસાથે મતદાન યોજાવાનું છે. જેના માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી નોંધાવી દીધી છે.
આ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતેશ લાલણ સામે ટક્કર જોવા મળવાની છે. બન્ને ઉમેદવારોએ ઉમેદવારી પત્રક સાથે રજૂ કરેલા સોગંધનામામાં જણાવ્યા પ્રમાણે, 45 વર્ષીય ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પાસે ફોર્ચ્યૂનર કાર સહિતના વાહનો ઉપરાંત સોનું અને રોકડ મળીને સ્થાવર તેમજ જંગમ મિલકતો 6.30 કરોડ જેટલી થવા જાય છે. વિનોદ ચાવડાએ પોતાની આવકના સ્ત્રોતમાં સાંસદ તરીકેનો પગાર ઉપરાંત ખેતી-વેપાર દર્શાવ્યા છે. જ્યારે તેમના પર રૂ. 1.56 કરોડની લોન પણ બોલાય છે.
વિનોદ ચાવડાના પરિવારમાં પત્ની ઉપરાંત બે સંતાનો છે. સમગ્ર પરિવારની કુલ જંગમ મિલકત 2.27 કરોડની છે. જ્યારે સ્થાવર મિલકત 15.49 લાખ થવા જાય છે.
બીજી તરફ 30 વર્ષીય કોંગ્રેસ ઉમેદવાર નિતિશ લાલણે એફિડેવિટમાં પોતે માત્ર 12 પાસ હોવાનું દર્શાવ્યું છે. જ્યારે તેમની પાસે 12.02 લાખની કુલ સંપત્તિ હોવાનું જણાવાયું છે. કોંગ્રેસ ઉમેદવાર પાસે કોઈ વાહન કે જમીન નથી. જ્યારે આવકના સ્ત્રોત તરીકે વેપારને દર્શાવ્યો છે.
નિતેશ લાલણના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્રી છે. જંગમ મિલકતમાં પોતાની પાસે 1.50 લાખ અને પત્ની પાસે 40 હજાર રોકડ ઉપરાંત બન્ને પાસે 7.15 લાખનું સોનું હોવાનું જણાવ્યું છે. ખાસ વાત એ છે કે, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પર કોઈ ગુનાહિત કેસ નથી નોંધાયો.
