Bhachau Highway Accident: કચ્છ જિલ્લાના ભચાઉ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. રવિવારે મોડી રાત્રે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જેમાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે ટ્રેલરમાં ફસાઇ ગયેલા ચાલકનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કેસરીગઢ રિસોર્ટ પાસે એકસાથે ચાર વાહનો અથડાયા હતા. જેમાં એક કાર આગની લપેટમાં આવી ગઇ હતી. કારમાં એક પરિવાર ફસાઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ, સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા કારમાં ફસાયેલા પતિ- પત્નીને બહાર કાઢ્યા હતા. જોકે કારમાં ફસાયેલા બાળકને બહાર કાઢવામાં નિષ્ફળતા મળતા બાળકનું મોત નીપજ્યું હતું.
અકસ્માતના આ બનાવમાં એક ચાલક પણ ટ્રેલરમાં ફસાઇ ગયો હતો. રેસ્ક્યૂ ટીમ દ્વારા ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માતના બનાવના પગલે થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બાળક અને એક વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા હતા. બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
