Jamnagar Suicide: જામનગર જિલ્લાના વાવડી ગામમાં એક આધેડના આપઘાતની કરુણ ઘટના સામે આવી છે. 47 વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર ગામ સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ખેતીમાં કોઈ જ ઉત્પાદન નહીં થવાના કારણે હેમંતભાઈ ભારે આર્થિક સંકડામણમાં મુકાઈ ગયા હતા.
આધેડની આર્થિક સ્થિતિ કથળી
મળતી માહિતી મુજબ, ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે હેમંતભાઈ મકવાણાની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. પરિવાર માટે આવકનું કોઈ સાધન ન રહેતાં ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર ઘરમાં ખાવાના પણ સાંસા પડતા હોવાથી પશુધન નિભાવવું મુશ્કેલ બન્યું હતું અંતે પરિવારને પોતાના બે બળદને વૃદ્ધાશ્રમમાં મૂકવાની નોબત આવી હતી.
આધેડે ગળે ફાંસો ખાઈ લીધો
પરિવારના ગુજરાનની ચિંતા હેમંતભાઈને સતત સતાવતી હતી. ઘરમાં નાનાં બાળકો હોવાથી તેમના ભવિષ્ય અને રોજિંદા ખર્ચની ચિંતા પણ વધી રહી હતી. આર્થિક તંગી અને દેવાના ભારણને કારણે તેઓ ભારે માનસિક તાણ અનુભવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના સમયે હેમંતભાઈ વાડીએ ગયા હતા, જ્યાં તેમણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
દુ:ખદ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું
આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારનો આધાર ગણાતા હેમંતભાઈના અચાનક અવસાનથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.વાવડી ગામમાં બનેલી આ દુઃખદ ઘટનાને પગલે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ સહાયની માંગ ઉઠાવી છે.
