ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગારીયાધાર અને જેસર તાલુકામાં બે કલાકમાં 1 ઈંચ ધોધમાર વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Jun 2024 07:20 PM (IST)Updated: Sat, 15 Jun 2024 07:20 PM (IST)
heavy-rain-across-the-bhavnagar-gariyadhar-and-jesar-taluka-get-1-inch-rain-in-2-hours

Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં બપોર બાદ આકાશ કાળા ડિંબાગ વાદળોએ ઘેરાઈ ગયું હતુ અને સાંજે 4 વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે.

ભાવનગર જિલ્લાના જેસર અને ગારિયાધારમાં સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના લાઠી અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 18 મિમી, નવસારી જિલ્લાના જલાલપોરમાં 17 મિમી, વલસાડના કપરાડામાં 12 મિમી અને અમરેલીના લીલીયામાં 10 મિમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે રવિવારે પણ ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.