Bhavnagar News: ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટ અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાન હુસૈને 21 ડિસેમ્બર, 2025 (રવિવાર) ના રોજ સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર રેલવે ટ્રેક પર 06 સિંહોને જોયા હતા. તેમણે તત્કાળ ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને ઇમરજન્સી બ્રેક લગાવી સુરક્ષિત રીતે રોકી દીધી હતી. જેના પગલે સિંહોનો જીવ બચી ગયો હતો. આ પ્રશંસનીય અને સંવેદનશીલ કાર્યવાહી બદલ રેલવે અધિકારીઓ દ્વારા તેમની સરાહના કરવામાં આવી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તારીખ 21.12.2025 (રવિવાર)ના રોજ લોકો પાયલટ અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાન હુસૈને સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર કિમી નં. 112/7–112/6 વચ્ચે રેલવે ટ્રેક પર 06 સિંહોને જોયા હતા. ત્યારબાદ તેમણે ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી સુરક્ષિત રીતે રોકી દીધી હતી.
લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમારને તાત્કાલિક જાણ કરવામાં આવી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ દ્વારા તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યા. સ્થિતિ સામાન્ય જણાતા લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની પરવાનગી આપવામાં આવી, ત્યારબાદ ટ્રેનને સાવધાનીપૂર્વક ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા લોકો પાયલટો દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય અને સંવેદનશીલ કાર્ય બદલ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા તથા અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી છે.
ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરનાર લોકો પાયલટો નિર્ધારિત ગતિનું પાલન કરતાં વિશેષ સતર્કતા સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ભાવનગર મંડળના લોકો પાયલટોની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોના સંકલનથી ગયા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોની જાન બચાવી લેવામાં આવી છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધી 81 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
