Bhavnagar News:ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની હોવાનું જણાવી વાઘાવાડી રોડ પર સોની વેપારીઓને વેચવા આવ્યા હતા.
જોકે, ભાવનગર રેન્જ સ્ટ્રાઈકિંગ ફોર્સને મળેલી બાતમીના આધારે પોલીસે બંનેને ચાંદી વેચે તે પહેલાં જ ઝડપી લીધા હતા. પોલીસે 400 ગ્રામ વજનની ચાંદીની આઠ બિસ્કિટ, બે મોબાઈલ અને કાર સહિત રૂપિયા 4.01 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.
ભાવનગર રેન્જ સ્ટ્રાઈકિંગ ફોર્સની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આતાભાઈ ચોક નજીક ચોક્કસ બાતમી મળી હતી કે, સફેદ રંગની સ્વિફ્ટ કારમાં એક ભાઈ-બહેન રાજકોટથી બનાવટી રીતે ઓછા ગ્રામની ચાંદી લાવી તેને વધુ શુદ્ધ અને વજનદાર હોવાનું જણાવી વાઘાવાડી રોડના સોની વેપારીઓને વેચવાની તૈયારીમાં છે.બંને ઘરશાળા સ્કૂલ પાસે કારમાં હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી ધૈર્ય જોશી અને કાજલ ભીમસુરિયાને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન બંને પાસેથી 400 ગ્રામની કુલ આઠ ચાંદીની બિસ્કિટ મળી આવી હતી. બિસ્કિટની કિંમત રૂપિયા 56 હજાર, બે મોબાઈલની રૂૂ. 45 હજાર અને સ્વિફ્ટ કારની રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 4.01 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બંને વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરી છે. ચાંદીની ચોકસી મંડળ દ્વારા તપાસ કરાવી આ ચાંદી ક્યાંથી લાવવામાં આવી અને તેની પાછળ મથુરાના મુખ્ય સૂત્રધારો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
