Bhavnagar Accident Video:ભાવનગરના તળાજા-સોમનાથ હાઇવે બોલેરો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સાત લોકોના મોત નીપજ્યાં છે. આ અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પૂરપાટ ઝડપે દોડતી બોલેરો કાર ઉભેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. બોલેરો ઘૂસી જતાં ટ્રેલર આગળની તરફ ધકેલાઇ ગયું હતું. જ્યારે બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરનું ટ્રેલરનો ચાલક ચા-પાણી પીવા માટે ઉભો હતો. ત્યારે અચાનક ટ્રેલરની પાછળ બોલેરો નંબર GJ04-EP-2599 ઘૂસી ગઈ હતી. જેના કારણે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ગંભીર ઇજાગ્રસ્ત જયેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની માહિતી છે. મૃતકોમાં જૈન સમાજના આગેવાન જ્યૂભાઈ શાહના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના (શિપબ્રેકર) પ્લોટ નંબર 24/B ,137,138ના પ્લોટના તમામ સ્ટાફ હતો.
અકસ્માતનો આ બનાવ સવારે 9.45 વાગ્યાની આસપાસ બન્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છેકે, એક ટ્રેલર ઉભું છે અને એક પૂરપાટ ઝડપે આવતી બોલેરો તેમાં ઘૂસી જાય છે. બોલેરોની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલર આગળની તરફ ધેકલાઈ ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. બોલેરોનો કચ્ચરઘાણ નીકળ્યો હોવાથી લોખંડના સળિયાની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને આઈસર વાહનમાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા.
અકસ્માતના મૃતકોની યાદી
વિજયભાઈ વોરા
પિયુષભાઈ શાહ
પ્રીતેશભાઇ ભાયાણી
ભાર્ગવભાઈ ગોસાઈ
હિરેનભાઈ મહેતા
યોગેશભાઈ શાહ
જયેશભાઈ (સારવાર દરમિયાન વધુ એક મોત)
