ભરૂચની નેત્રંગ પોલીસે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો, હદનો વિવાદ થતાં તલાટીને નકશા-રેવન્યુ રેકર્ડ લઇને બોલાવાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 22 May 2023 04:43 PM (IST)Updated: Mon, 22 May 2023 04:43 PM (IST)
netrang-police-seized-liquor-worth-lakhs-talati-was-called-with-map-due-to-dispute-over-the-extent

ભરૂચની નેત્રંગ પોલીસે બિલોઠા ગામે નીલગીરીના ખેતરમાં ઢગલાઓ નીચે સંતાડેલ દારૂના 3.61 લાખના જથ્થો ઝડપી તો પાડ્યો પરંતુ કયાં પોલીસ મથકની હદ લાગુ પડે તે નક્કી કરવામાં ભરૂચની નેત્રંગ પોલીસ ગોથું ખાઈ ગઈ હતી. ઝડપી પાડેલા દારૂના કેસને બાજુ પર રાખી પહેલા પોલીસ મથકની હદ નક્કી કરવા સુરત પોલીસ અને બીલોઠી ગ્રામ પંચાયતના તલાટીને નકશા અને રેવન્યુ રેકર્ડ લઈ સ્થળ પર બોલવાની ફરજ પડી હતી.

બીલોઠી ગ્રામ પંચાયતના તલાટીને નકશા અને રવન્યુ રેકર્ડ લઈ સ્થળ પર હાજર થઇ ચકાસણી કરતા નકશા અને રેવન્યુ રેકડ પરથી ભરૂચ જિલ્લાની હદ લાગતી હોવાનું સામે આવ્યું હતું. જેથી નેત્રંગ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહીબિશનનો ગુનો નોંધી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

નેત્રંગ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, સુરતના ઉંમરપાડાના ટૂંડીના બુટલેગર રમેશ કરમસિંગ વસાવાએ કંદવાલી ફળિયાની સીમમાં શ્રવણ ચોકડી બોર્ડર પર બિલોઠીના ભરત વસાવના ખેતરના સેઢા પર નિલગીરીઓના નીચે ઝાડી ઝાંખરાના ઢગલા માં દારૂનો વિપુલ જથ્થો સંતાડેલો છે.બાતમીના આધારે પોલીસ તપાસ અર્થે પહોંચી હતી.

ખેતરના સેઢા પર નિલગીરીઓ નીચે ઝાડી ઝાંખરાના ઢગલા હટાવતા દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂની 2273 અને બિયરના 432 ટીન મળી કુલ 3.61 લાખનો દારૂ કબ્જે કરી પ્રોહીબિશનનો ગુનો નોંધી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી.