જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે ગુજરાત સરકારની વિશેષ પ્રોત્સાહક યોજના જાહેર, 10% કેપિટલ સબસિડી અને 100% સ્ટેમ્પ ડ્યુટી માફી જેવા આકર્ષક લાભોની જાહેરાત

ભરૂચના જંબુસર ખાતે 2,015 એકરમાં આકાર લઈ રહેલા બલ્ક ડ્રગ પાર્ક માટે ગુજરાત સરકારે કેપિટલ સબસિડી અને યુટિલિટી ખર્ચમાં સહાય જેવી આકર્ષક યોજનાઓ જાહેર કરી છે, જે ફાર્મા ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Oct 2026 09:45 PM (IST)Updated: Thu, 29 Oct 2026 09:45 PM (IST)
jambusar-bulk-drug-park-gujarat-offers-10-capital-subsidy

Bulk Drug Park Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સક્રિય માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે. આ ઐતિહાસિક નિર્ણય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા અને મહત્વપૂર્ણ Active Pharmaceutical Ingredients (APIs), Key Starting Materials (KSMs) તેમજ Drug Intermediatesની વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત @2047'ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર મોખરાનું સ્થાન મેળવ્યું છે.

2,015 એકરમાં આકાર લઈ રહી છે વિશ્વકક્ષાની અત્યાધુનિક ઇકોસિસ્ટમ

ભારત સરકારની બલ્ક ડ્રગ પાર્ક્સને પ્રોત્સાહન આપવાની ફ્લેગશિપ યોજના હેઠળ ભરૂચના જંબુસર ખાતે આશરે 2,015 એકરમાં આ વિશ્વકક્ષાનું પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ઉત્પાદકો માટે કેપિટલ અને ઓપરેટિંગ ખર્ચમાં મોટો ઘટાડો કરવા માટે અહીં 10થી વધુ અત્યાધુનિક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં કોમન એફ્લુઅંત ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને CSTP, સ્ટીમ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સોલવન્ટ રિકવરી ફેસિલિટીઝ, TSDF સુવિધા, ડીપ-સી ડિસ્પોઝલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેન્ટર ઓફ એક્સેલન્સ અને મજબૂત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ નેટવર્ક જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોકાણકારો માટે ધમાકેદાર આર્થિક પ્રોત્સાહનો અને સબસિડીની બોનાન્ઝા

આ યોજના હેઠળના મુખ્ય આર્થિક પ્રોત્સાહનોમાં રોકાણકારોને તેમની પ્રોજેક્ટ જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ 'બલ્ક ડ્રગ પાર્ક સ્કીમ' અથવા 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ, 2026' હેઠળ લાભ મેળવવાની અનુકૂળતા આપવામાં આવી છે. વિશિષ્ટ બલ્ક ડ્રગ પાર્ક યોજના હેઠળ મુખ્યત્વે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI) પર 10% કેપિટલ સબસિડી અને પાત્રતા ધરાવતા MSME એકમો માટે વિશેષ વ્યાજ સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત 10 વર્ષ સુધી પાવર, સ્ટીમ, પાણી, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વેરહાઉસિંગ અને પાર્ક જાળવણી જેવા યુટિલિટી ચાર્જીસનું વ્યાપક રિઇમ્બર્સમેન્ટ તેમજ પાર્કમાં પ્રથમ વખત જમીન ફાળવણી પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીનું 100% રિઇમ્બર્સમેન્ટ મળશે.

જંગી મૂડીરોકાણ અને હજારો યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલશે

ગુજરાતની સ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સ્ટ્રેટેજિક દરિયાકાંઠાનું લોકેશન, બેસ્ટ લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી અને પારદર્શક શાસનને કારણે આ યોજનાથી ફાર્મા ક્ષેત્રે જંગી મૂડીરોકાણ આકર્ષાશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો કુશળ અને અર્ધકુશળ યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે. રાજ્ય સરકારના આ પગલાથી ફાર્માસ્યુટિકલ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત અને ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત થશે અને દેશ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ગતિએ આગળ વધશે.