ભરૂચ.
ભરૂચ જિલ્લાના વાગરાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઊંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. ONGCને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ભરૂચ રિજનલ GPCB અધિકારી માર્ગી પટેલે 50 લાખ રૂપિયાનો દંડ અને ડાયરેક્શન નોટિસ આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ONGCની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડ ઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું. આ પાણી 25થી વધુ ઊંટે પીતા તે મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું હતુ.
ઊંટના મોતની ઘટના બાદ GPCBએ પાણીના સેમ્પલ લીધા હતા, જેનો પૃથ્થકરણના અહેવાલ આવ્યા બાદ ONGC સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર GPCBએ પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જોકે આ સમગ્ર મામલે ONGC તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ક્રૂડની લાઇન લીકેજ થવાથી પાણી એકત્રિત થયું હતું, જે પાણી ઊંટે પીધું હતું. ONGCએ આદેશ મળતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે રવાના કરી લીકેજ બંધ કરાવી ઓઈલનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.