Bharuch: હાંસોટના કઠોદરા ગામે ભૂંડનો આતંક, 3 વર્ષની બાળકી પર તરાપ મારી; બચાવવા વચ્ચે પડેલા માતા-પિતા પર પણ હુમલો કર્યો

ચીસો સાંભળી દોડી આવેલા માતા-પિતાએ જીવ સટોસટનો ખેલ ખેલી દીકરીને ભૂંડની ચુંગાલમાંથી છોડાવી. માતા-પિતા અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 08:29 PM (IST)Updated: Sun, 14 Dec 2025 08:29 PM (IST)
bharuch-news-boar-attack-on-family-at-kathodara-village-of-hansot
HIGHLIGHTS
  • ભૂંડના હુમલાની ઘટનાના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

Bharuch: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કઠોદરા ગામે આવેલા શેરડીના ખેતરમાં ભૂંડે કરેલા અચાનક હુમલાથી એક ત્રણ વર્ષીય બાળકી સહિત તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કઠોદરા ગામની રહેવાસી ત્રણ વર્ષીય બાળકી પ્રાવી વસાવા તેના માતા-પિતા સાથે ખેતર વિસ્તારમાં હતી. આ દરમિયાન અચાનક એક ભૂંડ ખેતરમાંથી બહાર આવી બાળકી પર હુમલો કર્યો હતો.

ભૂંડે બાળકી પર ઝંપલાવી તેને ઉંચકી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈ માતા-પિતા વિમલ વસાવા અને જશોદા વસાવાએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર પોતાની જાન જોખમમાં મૂકીને બાળકીને બચાવવા દોડ લગાવી હતી. બાળકીને બચાવવાના પ્રયાસ દરમિયાન ભૂંડે માતા-પિતા પર પણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેના માતા-પિતાને શરીરના વિવિધ ભાગોમાં ઘા લાગ્યા છે. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ ઘાયલ બાળકી અને તેના માતા-પિતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સારવાર ચાલુ છે. ડોક્ટરો મુજબ બાળકીની હાલત ગંભીર હોવા છતાં હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને પગલે કઠોદરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભૂંડના વધતા આતંકને લઈને ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ખેતરો અને ગામના આસપાસના વિસ્તારોમાં ભૂંડોની અવરજવર વધતા લોકો પોતાનું રોજિંદું કામ કરવા પણ ડરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી ભૂંડના આતંકથી મુક્તિ અપાવવા કડક પગલાં લેવા ઉગ્ર માંગ ઉઠી છે.