Bharuch News: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ GETCO ના 66 KV રંદેરી સબ-સ્ટેશનમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. સબ-સ્ટેશનમાં આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા નજરે પડ્યા હતા.
વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થયો
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે સબ-સ્ટેશનની અંદર અને આસપાસના વાતાવરણમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના પગલે એશિયાના સૌથી મોટા ગણાતા ઝઘડિયા GIDC સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો.
4 ફાયર ટીમો ઘટના સ્થળો દોડી આવી
આગની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ કામે લાગી હતી અને ભારે જહેમત બાદ આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધુ વિસ્તરતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી
સબ-સ્ટેશનમાં અચાનક લાગેલી આ આગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આગ ઓલવ્યા બાદ વીજ વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
અધિકારીઓની તપાસ બાદ કારણ જણાશે
આગ લાગવાનું સાચું કારણ અને સબ-સ્ટેશનને થયેલા આર્થિક નુકસાનની વિગતો સત્તાવાર રીતે બહાર આવશે. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક કક્ષાએ વીજળી ખોરવાતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
