અંકલેશ્વરમાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની બોથડ પદાર્થ ઝીંકી કરી ક્રૂર હત્યા: સમગ્ર પંથકમાં ચકચાર

અંકલેશ્વર GIDCની કાન્હા રેસિડેન્સીમાં પત્નીની હત્યાની ઘટના સામે આવી છે.પતિએ માથાના ભાગે પ્રહાર કરતાં મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 03:10 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:10 PM (IST)
ankleshwar-gidc-wife-murder-husband-suspected-affair-kanha-residency

Ankleshwar Murder Case: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી એક રેસિડેન્સીમાં પતિ દ્વારા જ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આડા સંબંધોની આશંકા અને શંકા-કુશંકાના કારણે દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ કરૂણ અંજામ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર અંકલેશ્વર GIDC વિસ્તાર અને આસપાસના રહેણાંક પટ્ટામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નેપાળી પતિએ પત્નીની હત્યા કરી

મળતી વિગતો અનુસાર, અંકલેશ્વર GIDCમાં આવેલી ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક સ્થિત ‘કાન્હા રેસિડેન્સી’ના સિક્યુરિટી રૂમમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. કાન્હા રેસિડેન્સીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા મૂળ નેપાળી નાગરિક ટેકબહાદુર ભીમ બહાદુર ચંદ અને તેમની પત્ની લક્ષ્મીચંદ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો હતો કે, આવેશમાં આવીને પતિ ટેકબહાદુરે પોતાની પત્ની લક્ષ્મીચંદના માથાના ભાગે તીક્ષ્ણ કે બોથડ પદાર્થના ફટકા મારી દીધા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી

માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લક્ષ્મીચંદનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને મૃતક લક્ષ્મીચંદના મૃતદેહને કબ્જે લઈ પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

કયા કારણોસર આરોપીએ કરી હત્યા

પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ, પતિ ટેકબહાદુરને પોતાની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાનો વહેમ હતો. આ શંકાના કારણે જ અવારનવાર બંને વચ્ચે ઘરકંકાશ થતો હતો. ઘટનાના દિવસે પણ આ જ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા જેવું અંજામ આપવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસે આરોપીની અટકાયત કરી

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદની અટકાયત કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યા પાછળનું ચોક્કસ અને વાસ્તવિક કારણ જાણવા માટે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.