Navishta: બાયડ તાલુકાના નવી વાસણીના પ્રાથમિક શિક્ષકે બનાવેલી શોર્ટ ફિલ્મ 'નવિશ્તા'એ USAમાં ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન મેળવ્યું

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 26 Jun 2023 09:55 AM (IST)Updated: Mon, 26 Jun 2023 09:55 AM (IST)
short-film-navishta-received-a-nomination-at-a-film-festival-in-the-usa

Navishta: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી વાસણીના પ્રાથમિક શિક્ષકે બનાવેલી શોર્ટ ફિલ્મ 'નવિશ્તા'ને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણવામાં આવી છે. 35 મિનિટની ફિલ્મમાં દીકરીના લગ્ન માટે આખું જીવન ખર્ચી નાખતા પિતાના સંઘર્ષની કહાની બતાવતી શોર્ટ ફિલ્મ 'નવિશ્તા'ને USAમાં ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન મળ્યું છે. ત્યારે આ માત્ર બાયડ, અરવલ્લી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગૌરવની બાબત છે.

મળતી માહિતી મુજબ, બાયડના નવી વાસણી ગામે રહેતા 37 વર્ષીય પ્રાથમિક શિક્ષક સત્યમ ગોવિંદભાઇ પટેલે નવિશ્તા નામની આ શોર્ટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક તેઓ પોતે છે. સત્યમ પટેલને હિન્દી સિનેમા પ્રત્યે લગાવ છે, તેઓ હાલ ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાની પ્રાથમિક શાળામાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી વિષય ભણાવે છે. સત્યમ પટેલ હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પીએચડી કરી રહ્યા છે. પીએચડીમાં હિન્દી સિનેમાની થીસીસના ભાગરૂપે તેમણે આ શોર્ટ ફિલ્મ બનાવી છે. હિન્દી ભાષામાં બનેલી 35 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં દીકરીના લગ્ન માટે સંઘર્ષ કરતા એક પિતાની કહાનીને બતાવવામાં આવી છે.

સત્યમ પટેલે ફિલ્મ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારથી લઇને તે મોટી થાય, ઉંમરલાયક થાય અને તેના લગ્ન લેવામાં આવે ત્યાં સુધી પિતા કેવો સંઘર્ષ કરે છે. તે વાત બખૂબી રીતે કેમેરામાં કંડારવામાં આવી છે. ફિલ્મમાં એક પિતાની મહેનતને દર્શાવામાં આવી છે. દીકરીના લગ્ન માટે પિતા લેખનકાર્ય તરફ વળે છે. તે બાબત હૃદયને સ્પર્શી જાય તે રીતે રજુ કરવામાં આવી છે.'

સત્યમ પટેલે વધુમાં કહ્યું કે, થીસીસ દરમિયાન એક પ્રોફેસરે એક પિતા અને પુત્રીની વાત કહી હતી. ત્યારે અંગ્રેજી સાહિત્યની સ્ટોરીના આધારે ફિલ્મનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યાર પછી પ્રોફેસર, મિત્રો સાથે મળીને ટીમ બનાવી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણકાર્ય પોતે સંભાળ્યું છે. ખૂબ જ ટાંચા સ્ત્રોત, ન કોઇ મોટી ઝાકઝમાળ કે મોટા ખર્ચ છતાં 35 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર થઇ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી લીધી છે. ફિલ્મ તૈયાર થઇ ગયા બાદ તેને શોર્ટ ફિલ્મની કેટેગરીમાં વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં કેવી રીતે રજુ કરવી તેની વિગતો મેળવી હતી.'

સત્યમ પટેલે વધુમાં જણાવ્યું કે, 'ફિલ્મને યુએસએ સ્થિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સંસ્થા 2023 સ્ટુડન્ટ વર્લ્ડ ઇમ્પેક્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે મોકલવામાં આવી હતી. આ સંસ્થાને 120 દેશોમાંથી 13,868 જેટલી ફિલ્મો નોમિનેશન માટે મળી છે. જે પૈકી અમારી તૈયાર કરેલી નવિશ્તા ફિલ્મને નોમિનેશન મળ્યું છે. એટલે કે, ફિલ્મનો ટોપ ટેનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રિટનમાં લિફ્ટ ઓફ્ફ ફિલ્મ મેકર સેશન્સ હોસ્ટેડ બાય લિફ્ટ ઓફ્ફ ગ્લોબલ નેટવર્ક નામની સંસ્થામાં પણ આ ફિલ્મની પસંદગી થઇ છે. આ માત્ર બાયડ, અરવલ્લી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે કે એક નાનકડા ગામમાંથી આવતા એક શિક્ષકે બનાવેલી શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી છે.'

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.