લોકલ ડેસ્કઃ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ આવેલ અન્ય કંપની સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભીષણ આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. આ કંપનીમાં લાગેલ ભીષણ આગમાં બે લોકોનાં મોત થયાની આશંકા સેવાઈ રહી છે.
મહત્ત્વનું છે કે, મોડી રાત્રે પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ હતા. જો કે આગની આ ઘટના કેવી રીતે સર્જાઈ ? કોઈ જાનહાની થઈ છે કે કેમ ? તે બાબત હજી સુધી સ્પષ્ટ થઈ નથી.
દહેજ ખાતે આવેલ ઇન્ડિયન પેરોક્સાઈડ લિમિટેડ કંપનીમાં આગ
આ કંપનીમાં હાઇડ્રોજન પેરોકસાઇડની પ્રોસેસ થઇ રહી હતી. તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે નજીકમાં આવેલ ટેગ્રોસ નામની કંપનીની ચિંતાઓ વધી ગઇ હતી ફાયર લાશ્કરો દ્ધારા આગને વધુ પ્રસરતી અટકાવવા માટે હાલ સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર લાશ્કરો ભારે જેહમત કરી રહ્યા છે.