Anand Accident News: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામે આવેલા મત્સ્ય ઉદ્યોગના તળાવમાં આજે શુક્રવારે બપોરે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. માછલીઓને ખોરાક આપવા ગયેલા લોકોની બોટ પલટી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિ તરીને કિનારે આવી ગયો હતો. જોકે, અન્ય બે વ્યક્તિના મોત થયાની માહિતી સામે આવી છે.
આ બનાવની મળતી વિગત અનુસાર, બપોરે 3:00 વાગ્યા પછી મત્સ્ય ઉદ્યોગના તળાવની મધ્યમાં ત્રણ જેટલા લોકો નાની બોટમાં માછલીઓને ખોરાક નાખવા ગયા હતા. જોકે, અચાનક જ નાવડીનું સંતુલન બગડતાં તે પલટી ગઈ અને તેમાં સવાર 3 લોકો પાણીમાં ખાબક્યા હતા.
આ દુર્ઘટના સર્જાતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, નાવડીમાં સવાર 3 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ સદનસીબે તરીને તળાવના કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો. દુર્ઘટના અંગે જાણ થતાં જ શરૂઆતમાં સ્થાનિક તરવૈયાઓએ તુરંત પાણીમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ આણંદ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ મોડી સાંજે 1 વ્યક્તિનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પેટલાદના સૈયદવાડા વિસ્તારમાં ગારિયા પીર મસ્જિદ પાસે રહેતા 52 વર્ષીય આશિફોદ્દીન ઐયુબમીયા ઠાકોર તરીકે થઈ હતી. તેઓ પત્રકાર હોવાની સાથે પેટલાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા હતા.
આ અકસ્માતમાં નાવડીમાં કામ કરતો અન્ય 1 મજૂર પાણીમાં ગુમ થઈ ગયો હતો, જેની શોધખોળ મોડી સાંજ સુધી સતત ચાલુ રાખવામાં આવી હતી. આ કરૂણ બનાવને પગલે પંડોળી ગામ અને પેટલાદ પંથકમાં ભારે શોક છવાયો છે. અકસ્માતના સમાચાર પ્રસરતા જ પંડોળી ગામે તળાવ કિનારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
