Anand: ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખંભાતની પતંગની માગ, અંદાજિત વાર્ષિક ચાર કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 03 Jan 2024 11:14 AM (IST)Updated: Wed, 03 Jan 2024 11:14 AM (IST)
khambhat-news-khambhat-kite-industry-estimated-annual-turnover-of-over-four-crores

Anand News: ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બજારોમાં લોકો પતંગ અને દોરીની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખંભાતની પતંગ ખૂબ જ પ્રખ્યાત છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરનો પતંગ ઉદ્યોગ બે હજાર પરિવારોનો રોજીરોટીનો આધાર બન્યો છે.

ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના 2 હજાર પરિવારો બાર મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચુનારા અને મુસ્લિમ સમાજના લોકો મળી બાર હજાર ઉપરાંત કારીગરોને રોજગારીનો અવસર પુરો પાડે છે. ચુનારા સમાજની મહિલાઓ પણ આ પંતગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન ઘરખર્ચમાં આપે છે.

ખંભાત ખાતે વર્ષે બે કરોડ ઉપરાંતના પતંગો તૈયાર કરવામાં આવે છે. અંદાજિત વાર્ષિક ચાર કરોડ ઉપરાંતનું ટર્ન ઓવર ખંભાતનો પતંગ ઉદ્યોગ ધરાવે છે. ખંભાતમાં બે ઈંચથી માંડીને બાર ફૂટ સુધીના પતંગો પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની કિંમતના બને છે. જો કે આ વર્ષે રોમટીરિયલના ભાવમાં વધારો થવાથી ઉત્તરાયણ મોંથી બનશે તેવું કારીગરો જણાવી રહ્યા છે.

ખંભાતમાં વિવિધ બાર જાતની પતંગો બને છે. જે આઠ પ્રકારની વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પતંગો માટેના વાંસ વલસાડ અને આસામથી મંગાવવામાં આવે છે. તેમાથી ઢઠ્ઠો અને કમાન તૈયાર કરાય છે. વાસને છોલી તેનુ સંતુલન જોઈ કમાન તૈયાર કરાય છે, જેથી પતંગ હવામાં સ્થિર રહી શકે. એક કાગળમાંથી છ પતંગ, ત્રણ પતંગ, બે કે ચાર પતંગ બને જેને અડધીયુ, પાવલું, પોણીયુ કે આખુ કહેવાય જ્યારે ચીલ, ઘેસીયો, ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ કલરમાં ખંભાતમાં બનાવવામાં આવે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.