ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી 2026: આવતીકાલે લોકશાહીનો જંગ, 2.45 લાખ મતદારો કરશે મતદાન

Umreth Election 2026 Date: ઉમરેઠ વિધાનસભા બેઠક પર 23 એપ્રિલ 2026 ના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. તેમજ મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 22 Apr 2026 10:36 AM (IST)Updated: Wed, 22 Apr 2026 10:46 AM (IST)
gujarat-umreth-assembly-by-election-2026-voting-date-news-updates-today

Umreth Assembly By Election 2026 Date: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આવતીકાલે, 23 એપ્રિલ 2026 ના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. તેમજ . મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જે બાદ ઉમરેઠના નવા પ્રતિનિધિનું નામ સ્પષ્ટ થશે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 6 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને ખાસ કરીને અશક્ત મતદારો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ઐતિહાસિક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

306 મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે

ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતીકાલે સવારે 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

  • કુલ મતદારો: આશરે 2.45 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • મતદાન મથકો: તંત્ર દ્વારા 306 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
  • જાહેર રજા: ચૂંટણી પંચના આદેશ મુજબ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે જાહેર રજા રહેશે, જેથી નોકરીયાત વર્ગ પણ સરળતાથી મતદાન કરી શકે.

જિલ્લા ચૂંટણી અધિકારીનો નવતર પ્રયોગ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉમરેઠના મતદારો માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. 85 વર્ષથી વધુ વયના સુપર સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લાવવા અને પરત ઘરે મૂકવા માટે 06 સ્પેશિયલ વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ વાહનો દરેક નિર્ધારિત ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહેશે. તંત્ર દ્વારા આ વાહનો માટે ચોક્કસ રૂટ અને સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે:

  • વાહન નં. 01: પણસોરા (7:00-9:30), ઝાલા બોરડી (10:00-11:30), અરડી, ધોરા, ઊંટખરી અને વણસોલ જેવા ગામોમાં સેવા આપશે.
  • વાહન નં. 02: લિંગડા, થામણા, પરવટા, આશીપુરા, ફતેપુરા અને ઝાંખલા ગામના મતદારો માટે ઉપલબ્ધ રહેશે.
  • વાહન નં. 03: સુરેલી, ધુળેટા, સુંદરપુરા અને બેચરી ગામના રૂટ પર દોડશે.
  • વાહન નં. 04: ઓડ નગરપાલિકા (7:00-9:30), ખાનકુવા, કણભઈપુરા, ખંભોળજ, સીલી, અહીંમાં અને ભરોડા ગામને કવર કરશે.
  • વાહન નં. 05: ચિખોદરા, વઘાસી, સામરખા, બોરીયાવી નગરપાલિકા, કુંજરાવ, ત્રણોલ અને રાસનોલ ગામોમાં સેવા આપશે.
  • વાહન નં. 06: ભાલેજ (7:00-9:30), બડાપુરા, તારપુરા, મેઘવા, સૈયદપુરા, કાસોર અને રાહત તળાવ ગામના મતદારો માટે હાજર રહેશે.

લોકશાહીના પર્વમાં મહત્તમ સહભાગી થવા અપીલ

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠના તમામ 46 ગામોના મતદારોને અપીલ કરી છે કે, તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટ સુવિધાનો મહત્તમ લાભ લેવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, "અમારો લક્ષ્ય છે કે ઉમરેઠમાં રેકોર્ડબ્રેક મતદાન થાય અને કોઈ પણ શારીરિક મર્યાદા નાગરિકના મતાધિકારના માર્ગમાં અવરોધ ન બને."

ઉમરેઠ વિધાનસભા ઉમેદવારોનું લિસ્ટ

  • ભૃગુરાજસિંહ ચૌહાણ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટી
  • મૌલિક વિનુભાઈ શાહ, ભારતીય નેશનલ જનતા દળ
  • જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવક, (જીતુભાઈ સેવક) અપક્ષ
  • નિરૂપાબેન નટવરલાલ માધુ, અપક્ષ
  • મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર, અપક્ષ

મતદારોનું ગણીત સમજો

આ ચૂંટણીમાં 18 થી 19 વર્ષની વય ધરાવતા 4174 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1644 મતદારો પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે આ ઉપરાંત 1559 જેટલા દિવ્યાંગ મતદારો પણ મતદાન કરશે. આમ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો, 1,19,072 મહિલા મતદારો અને અન્ય 06 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે, જે ચૂંટણીમાં મતદાન કરી શકશે.