Anand Crime News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આંકલાવના ઉમેટા બ્રિજ નજીક મહીસાગર નદીમાં કુદીને એક પ્રેમી યુગલે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પરિવારજનો દ્વારા લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા ભારે માનસિક તણાવમાં આવેલા આ યુગલે અંતિમ પગલું ભરીને નદીમાં છલાંગ લગાવી હતી, જેના કારણે બંનેનાં કરુણ મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
પરિવારે લગ્નની ના પાડતાં આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, આંકલાવ તાલુકાના સંખ્યાડ ગામના રહેવાસી 20 વર્ષીય મહેશ ગણપતભાઈ સોલંકી અને 19 વર્ષીય જાગૃતિબેન શંકરભાઈ સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ બંને યુવક-યુવતી લગ્ન કરવા માંગતા હતા, પરંતુ બંનેના પરિવારજનો તરફથી આ સંબંધ સામે ભારે વિરોધ હતો. પરિવારજનો દ્વારા લગ્ન કરાવવાની સાફ ના પાડી દેવામાં આવતા બંને યુવાન હૈયાં ભારે માનસિક તણાવ અને ચિંતામાં મૂકાઈ ગયાં હતાં.
પ્રેમી પંખીડાએ ઊંડા પાણીમાં ઝંપલાવ્યું
આ માનસિક દબાણને કારણે વહેલી સવારે આ પ્રેમી યુગલ આંકલાવના ઉમેટા બ્રિજ પર પહોંચ્યું હતું. જ્યાં તેમણે બ્રિજ પર પોતાની બાઈક અને ચંપલ મૂકી દીધાં હતાં અને ત્યારબાદ મહીસાગર નદીના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
યુગલના મૃતદેહ નદીમાંથી મળ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સ્થાનિક તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં લાંબી અને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ મહેશ અને જાગૃતિના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. યુવાન દીકરા અને દીકરીના આકસ્મિક અને દર્દનાક મોતથી બંને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું છે.
મૃતદેહોને પીએમ માટે ખસેડ્યા
બનાવની જાણ થતાં જ આંકલાવ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના વિરોધ અને પ્રેમ પ્રકરણમાં બનેલી આ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે.
