આણંદમાં ઉત્તરાયણની મજા બની સજાઃ ધારદાર પતંગની દોરીથી 3ના ગળા રેતાયા, પિતા સાથે બાઈક પર જતાં પુત્રના ગળાની મુખ્ય નસ કપાઈ

કિંખલોડમાં રહેતો રાહુલ બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે પતંગનો દોરો આવતા તે નીચે પટકાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા રાહુલને ICUમાં ખસેડાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Jan 2026 09:11 PM (IST)Updated: Wed, 14 Jan 2026 09:11 PM (IST)
anand-news-3-injured-with-kite-thread-across-the-district-on-uttarayan
HIGHLIGHTS
  • ખંભાતના કલમસરમાં બીજા માળની અગાસીમાંથી યુવક નીચે પટકાતા ટાંકા આવ્યા

Anand: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી ઉજવાયો છે, ત્યારે આણંદ જિલ્લામાં પતંગના ધારદાર દોરાથી 4 લોકોના ગળા કપાઈ ગયા હોવાની ઘટના નોંધાઈ છે. જ્યારે ખંભાતમાં એક યુવક બીજા માળેથી પટકાયો છે. આ તમામ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવતા તેમનો જીવ બચી જવા પામ્યો છે.

પ્રથમ બનાવમાં આણંદમાં રહેતા અશોકભાઈ ઠાકોર (45) પોતાના બાઈક પર જીટોડીયાથી મોગરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પતંગનો દોરો રસ્તા વચ્ચે આવી જતા અશોકભાઈના ગળાના ભાગે ઘસરકો વાગ્યો હતો. અશોકભાઈને ઈજા પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી.

આ સમયે નજીકમાં જીટોડીયા 108ના EMT કિંજલબેન રાઠોડ અને પાયલોટ તોસિફભાઈ વ્હોરા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમણે અશોકભાઈને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ તેમને વધુ સારવાર અર્થે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આવા જ અન્ય એક બનાવમાં હિતેશભાઈ પઢીયાર (35) બાઈક લઈને મોગરથી સરસા ગામની સીમ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પતંગનો દોરો રસ્તા વચ્ચે આવી જતાં હિતેશભાઈને ગળાના ભાગે ઉજા પહોંચી હતી. આ સમયે કૉલ મળતા નજીકમાં રહેલી સરસા 108ના EMT ધર્મેન્દ્ર ભોઈ અને પાયલોટ આતિશ જોશી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે હિતેશભાઈને ફિઝિશિયન ડો રામાણીની સલાહ પ્રમાણે સારવાર આપીને આણંદ સિવિલમાં શિફ્ટ કર્યાં હતા.

પિતા સાથે બાઈક ઉપર જઈ રહેલા બાળકના ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ
બદલપુર સેવરાપુરા ખાતે રહેતો ધવલ પરમાર (8) પોતાના પિતા કિશનભાઈના બાઈક પર બદલપુરથી રાળજ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગનો દોરો આવી જતાં આગળ બેઠેલા ધવલના ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. જેને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે કમરસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે.

કિંખલોડમાં પતંગના દોરાના કારણે બાઈક પરથી પટકાયેલો યુવક ICUમાં
કિંખલોડ ગામમાં રહેતો રાહુલ પરમાર (20) પોતાનું બાઈક લઈને કિંખલોડ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો. આ સમયે અચાનક પતંગનો દોરો આવી જતાં રાહુલ બાઈક પરથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બાબતનો કોલ મળતા કિંખલોડ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે રાહુલને બોરસદ સ્થિત સૂર્યા હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની ICUમાં સારવાર ચાલી રહી છે.

અન્ય એક બનાવ ખંભાત તાલુકાના કલમસર ગામમાંથી સામે આવ્યો છે. જેમાં ગામના ઉંડા ફળિયામાં રહેતો દિગ્વિજય પઢીયાર (23) નામનો યુવક પતંગ ચગાવતી વખતે બીજા માળની અગાસીમાંથી નીચે પટકાયો હતો. જેમાં દિગ્વિજનને માથા તેમજ મોંઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને ખંભાત જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવારમાં ટાંકા લીધા બાદ હાલત ગંભીર જણાતા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.